હિન્દી ફિલ્મ ધૂમના દિગ્દર્શક સંજય ગઢવીનું રવિવારે સવારે મુંબઈમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું, એમ તેમની મોટી પુત્રી સંજીનાએ જણાવ્યું હતું. તેઓ 56 વર્ષના હતાં. સંજીના ઉપરાંત, ગઢવીના પરિવારમાં તેમની પત્ની અને બીજી પુત્રી છે. તેમના અવસાનથી બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
ત્રણ દિવસ પછી સંજય ગઢવીનો જન્મદિવસ હતો. તેઓ યશ રાજ ફિલ્મ્સની “ધૂમ” ફ્રેન્ચાઇઝી – “ધૂમ” (2004) અને “ધૂમ 2” (2006)માં બે બ્લોકબસ્ટર હિટ ફિલ્મો માટે જાણીતા હતાં.
ગઢવીની પુત્રીના જણાવ્યા મુજબ, દિગ્દર્શક “સંપૂર્ણ સ્વસ્થ” હતા. આજે સવારે 9.30 વાગ્યે તેમના નિવાસસ્થાને તેમનું નિધન થયું હતું. અમને ખાતરી નથી કે તે શું થઈ હતું, પરંતુ મોટે ભાગે તે હાર્ટ એટેક હતો. તેઓ બીમાર ન હતા અને સંપૂર્ણ સ્વસ્થ હતાં.
ગઢવીએ 2000માં “તેરે લિયે” સાથે દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી. આ પછી 2002માં “મેરે યાર કી શાદી હૈ” આવી હતી, જે યશ રાજ ફિલ્મ્સ સાથેનો તેમનો પ્રથમ પ્રોજેક્ટ હતો.સંજય ગઢવીએ તાજેતરમાં જ શ્રી કૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઇદગાહ મસ્જિદ વિવાદ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે આ ફિલ્મનું શૂટિંગ અને દિગ્દર્શન પણ શરૂ કરી દીધું હતું.