ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ શનિવારે અડાલજની પ્રખ્યાત વાવ ખાતે ટ્રોફી સાથે આ પોઝ આપ્યો હતો. (ANI Photo)

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવાર, 19 નવેમ્બરે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ના ફાઇનલ મુકાબલા પહેલા દેશભરમાં ક્રિકેટનો ફીવર ઊભો થયો છે. ભારતીય ટીમ 20 વર્ષ પછી વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાઈ રહી છે અને 2003ની ફાઇનલમાં પરાજયનો બદલો લેવા માટે સજ્જ છે.

આ ટુર્નામેન્ટમાં રોહિત શર્માની આગેવાનીવાળી ટીમ ઈન્ડિયા તમામ મેચો જીતી છે અને તેનું પલડું ભારે લાગી રહ્યું છે. પરંતુ ઓસ્ટ્રેલિયા મોટી ટુર્નામેન્ટની ટીમ તરીકે જાણીતી છે, તેથી આ મુકાબલો રસપ્રદ બનવાની પૂરી સંભાવના છે.

ભારતીય સમય મુજબ મેચનું પ્રસારણ બપોરે 2.00 વાગ્યાથી શરૂ થશે. ફાઈનલ અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ભવ્ય સમાપન સમારોહનું આયોજન કર્યું છે, જેમાં ભારતીય હવાઇદળના દિલધડક એરશોનો પણ સમાવેશ થાય છે.

હાઈવોલ્ટેજ મુકાબલા પહેલા અમદાવાદના આ સ્ટેડિયમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. આ ઉપરાંત બોલીવૂડ, રાજકારણ અને ઉદ્યોગજગતની પણ ઘણી હસ્તીઓ હાજર રહેવાની છે.

ભારતીય ટીમ ચોથી વખત વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. 1983માં ટીમ પ્રથમ વખત ફાઈનલમાં પહોંચી હતી ત્યારે કપિલ દેવની આગેવાનીમાં ટીમે તે સમયની ખૂંખાર ગણાતી વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ ટીમ 2003ની ફાઈનલમાં પહોંચી હતી જ્યાં સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી.

2011માં ધોનીની ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને હરાવીને બીજી વખત વર્લ્ડ કપ જીત્યો હતો.

કેપ્ટન રોહિત શર્મા, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐય્યર અને લોકેશ રાહુલ શાનદાર ફોર્મમાં છે.  બોલિંગમાં ઝડપી બોલર મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ કાતિલ બોલિંગ સાથે સપાટો બોલાવી રહ્યા છે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવની સ્પિન બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાની બેટરોની ખરી કસોટી થશે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ તેની પ્રતિષ્ઠા અનુરૂપ પ્રદર્શન કર્યું છે. ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ અને ડેવિડ વોર્નર સામે ટીમ ઈન્ડિયાએ સાવધ રહેવું પડશે. જ્યારે મિચેલ સ્ટાર્કની આગેવાનીવાળું બોલિંગ આક્રમણ મજબૂત છે. ભારતે લીગ રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા કોઈ કસર બાકી રાખશે નહીં.

મેચ અગાઉ કેપ્ટન રોહિત શર્માએ કહ્યું હતું કે હું કેપ્ટન બન્યો છું ત્યારથી અમે આ દિવસની તૈયારી કરી રહ્યા છીએ. અમે ટી20 વર્લ્ડ કપ અને WTC ફાઈનલ પણ રમ્યા હતાં. અમે ત્રણેય ફોર્મેટમાં યોગ્ય ખેલાડીઓની પસંદગી કરવા માગતા હતા. અમે દરેકની ભૂમિકા સ્પષ્ટ કરી છે. આનાથી અમને ઘણી મદદ મળી છે અને આશા છે કે અમે ફાઈનલમાં પણ સારું પ્રદર્શન કરીશું.

ભારતીય ટીમને ઘરઆંગણાના પ્રેક્ષકોનું જોરદાર સમર્થન મળશે, પરંતુ મેચની પૂર્વ સંધ્યાએ પત્રકારો સાથે વાતચીત કરતા ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન પેટ કમિન્સે જણાવ્યું હતું કે તેમના ખેલાડીઓ પોતાની રમતથી સ્ટેડિયમમાં સન્નાટો ફેલાવી દેવા માટે સજ્જ છે. સ્ટેડિયમમાં 1,32,000 દર્શકોની રહેવાનો અંદાજ છે.

 

LEAVE A REPLY