ગુજરાતમાં દિવાળીના દિવસો મોટાભાગના રસ્તાઓ ખાલી હોય છે, તેમ છતાં આ દિવસોમાં રાજ્યમાં કુલ 2200 જેટલા અકસ્માતો નોંધાયા હતા. ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી દૈનિક ધોરણે અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. ગાંધીનગરના રાંધેજા-પેથાપુર હાઇવે પર એક અકસ્માતમાં પાંચ લોકોનાં મોત થયાં છે. પૂર ઝડપે કાર ચલાવી રહેલા કારચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. રાંધેજા-પેથાપુર રોડ પર કાર ઝાડ સાથે ટકરાઈ હતી, જેમાં માણસાના 17થી 19 વર્ષની ઉંમરના પાંચ યુવાનોનાં મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ પાંચેય ભાઈ પિતરાઈ ભાઈ હતા.

દિવાળીના તહેવારોમાં સામાન્ય રીતે આગના બનાવો સૌથી વધારે બનતા હોય છે. દર વર્ષે 108 ઇમર્જન્સી કોલમાં વધારો થતો હોય છે. ત્યારે આ વર્ષે દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ એમ ત્રણ દિવસમાં 108 એમ્બ્યુલન્સને વિવિધ પ્રકારના 12,806 જેટલા કોલ મળ્યા હતા, જેમાં 2253 જેટલા અકસ્માતના કોલ છે. સૌથી વધુ અકસ્માત નવા વર્ષના દિવસે થયા હતા. સામાન્ય દિવસો કરતાં તહેવારના ત્રણ દિવસમાં ઇમર્જન્સી કોલની સંખ્યામાં સાત ટકા જેટલા વધારો થયો છે. સૌથી વધુ ઇમર્જન્સી કોલ ચાર મહાનગરમાં વડોદરાને બાદ કરતાં ખેડા, દાહોદ, નવસારી, વલસાડ, પંચમહાલ અને બનાસકાંઠામાં મળ્યા છે. અમદાવાદમાં સૌથી વધુ 306 અકસ્માત થયા હતા.

LEAVE A REPLY