અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને દિવાળી નિમિત્તે ભારતીયોને શુભેચ્છા આપીને જણાવ્યું હતું કે, દિવાળીના સમજણ અને પ્રેમનો પ્રકાશ શોધવાના સંદેશે અમેરિકાને “મજબૂત બનવામાં” મદદ કરી છે. બાઇડેને હૃદયપૂર્વક લખેલા દિવાળીના સંદેશમાં જણાવ્યું હતું કે, “અનેક પેઢીઓથી સાઉથ એશિયન અમેરિકનોએ દિવાળીની પરંપરાઓને આપણા દેશની સંસ્કૃતિમાં વણી લીધી છે, જે અજ્ઞાનતાના અંધકાર, તિરસ્કાર અને ભાગલાવાદીઓ પર સમજણ, પ્રેમ અને એકતાનો પ્રકાશ શોધવાના સંદેશનું પ્રતીક છે. તે એક એવો સંદેશ છે જેણે છેલ્લાં કેટલાંક મુશ્કેલીના વર્ષોથી આપણા દેશને વધુ મજબૂત બનવામાં મદદ કરી છે. આપણે દિવાળી ઉજવતા અમેરિકા અને સમગ્ર વિશ્વમાં એક બિલિયનથી વધુ હિન્દુઓ, જૈનો, શીખો અને બૌદ્ધોને પર્વની શુભેચ્છા પાઠવીએ.”

દિવાળી નિમિત્તે વિદેશી રાજદ્વારીઓ અને વૈશ્વિક દેશોના વડાઓએ વિશેષ સંદેશાઓ સાથે શુભેચ્છા પાઠવી હતી. તેમાં યુકેના વડાપ્રધાન ઋષિ સુનક, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બેનીઝ, નોર્વેના વડાપ્રધાન ગોહર સ્ટોર, સાઉથ આફ્રિકાના પ્રેસિડેન્ટ સીરિલ રામાફોસા, સિંગાપોરના નાયબ વડાપ્રધાન લોરેન્સ વોંગ વગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ભારતમાં અમેરિકન એમ્બેસેડર, એરિક ગાર્સેટ્ટી, ભારતમાં ઓસ્ટ્રેલિયન હાઈ કમિશનર ફિલિપ ગ્રીન, જર્મન એમ્બેસેડર ફિલિપ અકરમાન, દુબઈના શાસક, મોહમ્મદ બિન રશીદે સોશિયલ મીડિયાના માધ્યમથી પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવીને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. કેનેડાના ઓટાવામાં 7 નવેમ્બરે પાર્લામેન્ટ હિલ પર દિવાળીની ઉજવણી કરવા માટે દીવા પ્રગટાવવામાં આવ્યા હતા અને ત્યારે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો હાજર રહ્યા હતા. સિંગાપોરના નાયબ વડા પ્રધાન લોરેન્સ વોંગે 12 નવેમ્બરના રોજ તમિલ ભાષામાં લોકોને દિવાળીની શુભકામનાઓ આપી હતી.

LEAVE A REPLY