વિદેશી દારૂ બનાવતી બે કંપનીઓ વચ્ચેના વિવાદમાં મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક રસપ્રદ નિરીક્ષણ કરતાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સ્કોચ વ્હિસ્કી પીનારા લોકો સુશિક્ષિત અને સમૃદ્ધ વર્ગના હોય છે અને તેઓ બે અલગ અલગ બ્રાન્ડ્સના વિદેશી દારુ વચ્ચેનો તફાવત સરળતાથી પારખી શકે છે.
પર્નોડ રિકાર્ડ લિકર નામની કંપની દ્વારા ઈન્દોરસ્થિત દારુ ઉત્પાદક કંપની વિરુદ્ધ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી. પર્નોડ રિકાર્ડે ઈન્દોરસ્થિત જેકે એન્ટરપ્રાઈઝિસ નામની કંપનીને લંડન પ્રાઈડના નામથી દારુના ઉત્પાદન પર પ્રતિબંધ મુકવા અપીલ કરી હતી. પર્નોડે પોતાની અપીલમાં જણાવ્યું હતું કે જેકે એન્ટરપ્રાઈઝિસ દ્વારા તેની બ્રાન્ડ્સ બ્લેન્ડર્સ પ્રાઈડના ટ્રેડમાર્કનું અને ઈમ્પિરિયલ બ્લુના દેખાવનું ઉલ્લંઘન કરાઈ રહ્યું છે. એટલું જ નહી પરંતુ જેકે એન્ટરપ્રાઈઝિસ દ્વારા લંડન પ્રાઈડ નામનો ઉપયોગ ગ્રાહકોને છેતરવા માટે કરાઈ રહ્યો છે.
જસ્ટિસ સુશ્રુત અરવિંદ ધર્માધિકારી તથા જસ્ટિસ પ્રણય વર્માની બેન્ચે જણાવ્યું હતું કે, બે બ્રાન્ડ્સના ઉત્પાદનોનો સમાવેશ પ્રીમિયમ અથવા અલ્ટ્રા પ્રીમિયમ વ્હિસ્કીમાં થાય છે, એટલે સ્વાભાવિક રીતે એવું કહી શકાય કે તેના ગ્રાહકો સુશિક્ષિત અને સમૃદ્ધ હોય છે, જેમનામાં બ્લેન્ડર્સ પ્રાઈડ/ઈમ્પિરિયલ બ્લુ અને લંડન પ્રાઈડ વચ્ચેનો તફાવત પારખવાની સમજ હોય છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ઈન્દોરની એક કોર્ટે, જેકે એન્ટરપ્રાઈઝિસને લંડન પ્રાઈડ નામથી વેચાણ રોકવા પર કામચલાઉ પ્રતિબંધ મુકવાની પર્નોડ રિકાર્ડની અરજીને ફગાવી હતી. પર્નોડ રિકાર્ડે કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ 1995ની સાલથી બ્લેન્ડર્સ પ્રાઈડ માર્કનો ઉપયોગ કરી રહ્યાં છે. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, જેકે એન્ટરપ્રાઈઝિસ દ્વારા તેમની બ્રાન્ડ ઈમ્પિરિયલ બ્લુ જેવા લેબલ, પેકેજિંગ અને ટ્રેડ ડ્રેસનો ઉપયોગ કરી શરાબ વેચી ગ્રાહકોને છેતરી રહી છે.
કોર્ટે ઈમ્પિરિયલ બ્લુ અને લંડન પ્રાઈડ એ બંને બોટલોની સરખામણી કરી નોંધ્યું હતું કે, બંને બોટલોના એકંદર દેખાવને આધારે એવું ના કહી શકાય કે તેનાથી ગ્રાહકોમાં ભ્રમ પેદા થાય છે. એટલું જ નહીં પરંતુ બંને બોટલોનો આકાર પણ અલગ છે, અને બોક્સને જોઈને ગ્રાહકો તેમની વચ્ચેનો ફરક પારખી શકે છે.
કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે, રિકાર્ડ પાસે ઈમ્પિરિયલ બ્લુના માર્કમાં રહેલાં કલરનું રજિસ્ટ્રેશન નથી, એટલું જ નહીં પરંતુ તેની પાસે બ્લેન્ડર્સ પ્રાઈડનું રજિસ્ટ્રેશન છે, ‘પ્રાઈડ’ શબ્દનું નહીં. આમ માત્ર પ્રાઈડ શબ્દના ઉપયોગથી ગ્રાહકમાં ભ્રમ પેદા થવાની શક્યતા નથી.