ટાઇમ મેગેઝિન દ્વારા પ્રથમવાર જાહેર કરવામાં આવેલી ‘ટાઇમ ૧૦૦ ક્લાઇમેટ’ યાદીમાં આઠ ભારતીય તેમ જ ભારતીય મૂળના લોકોને સ્થાન મળ્યું છે. જેમાં વિશ્વ બેન્કના પ્રેસિડેન્ટ અજય બાંગા અને ઓલા ઇલેક્ટ્રિકના સહસ્થાપક ભાવિશ અગરવાલનો સમાવેશ થાય છે. યાદીમાં ‘ક્લાઇમેટ ચેન્જ’ની સમસ્યાના ઉકેલમાં યોગદાન આપનારા વિશ્વના 100 પ્રભાવશાળી લીડર્સનો સમાવેશ કરાયો છે.
આ યાદીમાં વિશ્વભરના ટોચના સીઇઓ, વિવિધ બિઝનેસના સ્થાપકો, દાતાઓ, સંગીતકારો, નીતિ નિર્ધારકો અને સરકારી અધિકારીઓને સ્થાન આપવામાં આવ્યું છે. યુએઇમાં ૩૦ નવેમ્બરથી શરૂ થઈ રહેલી યુનાઇટેડ નેશન્સની ‘ક્લાઇમેટ ચેન્જ કોન્ફરન્સ’ અગાઉ ટાઇમ મેગેઝિને યાદી જાહેર કરી છે. યાદીમાં સ્થાન મેળવનારા ભારતીયો અને ભારતવંશીઓમાં રોકફેલર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ રાજીવ જે. શાહ, બોસ્ટન કોમન એસેટ મેને.ના સ્થાપક અને પ્રેસિડેન્ટ ગીતા ઐયર, યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ એનર્જી લોન પ્રોગ્રામ્સ ઓફિસના ડાયરેક્ટર જિગર શાહ, હસ્ક પાવર સીસ્ટમ્સના સીઇઓ અને સહસ્થાપક મનોજ સિંહા, કૈસર પરમનેન્ટના પર્યાવરણ સંબંધી બાબતોના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સીમા વાધવા અને મહિન્દ્રા લાઇફસ્પેસિસના એમડી અને સીઇઓ અમિત કુમાર સિંહાનો સમાવેશ થાય છે. ટાઇમ મેગેઝિનના જણાવ્યા અનુસાર બાંગાએ ગરીબી નિવારણ સાથે ક્લાઇમેટ ચેન્જની સમસ્યા સામે લડવાનું નવું અભિયાન હાથ ધર્યું છે. ટાઇમ મેગેઝિને 38 વર્ષીય ભાવિશ અગરવાલ વિશે જણાવ્યું હતું કે, “ભારતમાં માર્ગો પર ફરતા 70 ટકા વાહનો મોપેડ્સ અને સ્કૂટર્સ છે ત્યારે અગરવાલ વાહનોને ઇલેક્ટ્રિક કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે.”