મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં રવિવાર ૧૯ નવેમ્બરે યોજાનાર વર્લ્ડ કપ ક્રિકેટની ફાઇનલ મેચ દરમિયાન સુરક્ષા-સ્વચ્છતા-ટ્રાફિક મેનેજમેન્ટ વગેરેની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને હાથ ધરી હતી. આ ફાઇનલ મેચ નિહાળવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર પણ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ આવવાના હોવાથી તે સંદર્ભમાં સુરક્ષા પ્રબંધની વિસ્તૃત જાણકારી મુખ્ય પ્રધાને મેળવી હતી.

મુખ્ય પ્રધાને ખાસ કરીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા આવનારા પ્રેક્ષકો, મહાનુભાવોને અવર-જવરમાં કોઈ વિઘ્ન ન નડે તે માટે ટ્રાફિક મેનેજમેન્ટ, જરૂર જણાયે રૂટ ડાઇવર્ઝન જેવી બાબતોની સૂચના આપી હતી. આ અંગેની આગોતરી જાણકારી લોકોને મળી રહે તે માટે પ્રચાર માધ્યમો-મીડિયા દ્વારા જાહેરાત થાય તે અંગે તેમણે સૂચના આપી હતી. મેચ જોવા આવનારા નાગરિકોને યાતાયાત સુવિધા માટે BRTS, મેટ્રો રેલ, AMTS સાથે સંકલન કેળવી વધારે ટ્રીપ અને વધુ સમય સેવાઓ ચાલુ રાખવાની જે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તેની પણ વિગતો મુખ્ય પ્રધાનને આપવામાં આવી હતી. તેમણે અમદાવાદમાં સ્ટેડિયમ, બ્રિજ, મુખ્ય માર્ગો સહિત સમગ્ર શહેરમાં ધાર્મિક સ્થળો, પ્રવાસન સ્થળો વગેરેની સ્વચ્છતા જળવાઈ રહે અને સાફ-સફાઈ પર પૂરતું ધ્યાન મહાનગરપાલિકા તંત્ર આપે તેવી ખાસ તાકીદ કરી હતી.

મેચ શરૂ થતાં પહેલા અને વચ્ચેના બ્રેક સમય દરમિયાનના આકર્ષણોમાં એરફોર્સની સૂર્ય કિરણ ટીમના એર શો, લોકગાયક આદિત્ય ગઢવી અને સુપ્રસિદ્ધ સંગીતકાર પ્રીતમના પરફોર્મન્સનું આયોજન થયું છે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરી હતી.

પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય અને અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે બંને ક્રિકેટ ટીમને સ્ટેડિયમ સુધી પહોંચાડવા સુરક્ષા વ્યવસ્થા સહિત ૪,૫૦૦થી વધુ સુરક્ષા કર્મીઓ બંદોબસ્તમાં તૈનાત રાખવામાં આવશે તેની ઝીણવટ ભરી વિગતો આપી હતી.
કેન્દ્ર સરકારના પ્રધાનો અને અન્ય રાજ્યોના મુખ્યપ્રધાનો સહિત મેચ જોવા આવનારા મહાનુભાવો માટેની સિક્યુરિટી અંગે પણ તેમણે મુખ્ય પ્રધાનને માહિતી આપી હતી.

LEAVE A REPLY