ભારતના ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીએ ગુરુવારે યુકેની એક કોર્ટને જણાવ્યું હતું કે તે ઘણા વર્ષો સુધી ઇંગ્લેન્ડમાં જ રહી શકે છે, કારણ કે કેટલીક ચાલુ કાર્યવાહી તેના પ્રત્યાર્પણને અટકાવી શકે છે. 52 વર્ષીય ભૂતપૂર્વ અબજોપતિ પૂર્વ લંડનમાં બાર્કિંગસાઇડ મેજિસ્ટ્રેટ કોર્ટમાં થેમસાઇડ જેલમાંથી વિડિયો લિંક દ્વારા સુનાવણી માટે હાજર થયો હતો.
નીરવે ત્રણ સભ્યોની મેજિસ્ટ્રેટની બેન્ચ સમક્ષ જણાવ્યું હતું કે તેને દંડ પેટે દર મહિને GBP 10,000 ચૂકવવા માટે અગાઉના કોર્ટના નિર્દેશનું પાલન કર્યું હતું. સતત જેલમાં રહેવાના કારણ અંગે પૂછવામાં આવતા નીરવ મોદીએ જણાવ્યું હતું કે “હું રિમાન્ડ પર જેલમાં છું અને બિન-દોષિત છું. ભારત સરકાર તરફથી પ્રત્યાર્પણની વિનંતીને કારણે હું અહીં છું.”
તેને સ્પષ્ટતા કરી હતી કે પ્રત્યાર્પણ માટે માર્ચના મધ્યમાં મારી ધરપકડ કરાઈ હતી. કેટલીક કાર્યવાહી હજુ પણ ચાલી રહી છે જે મારા ભારતમાં પ્રત્યાર્પણને અટકાવે છે… તે ખૂબ જ સંભવ છે કે હું લાંબા સમય સુધી ઇંગ્લેન્ડમાં રહીશ, ત્રણ મહિના, છ મહિના, વર્ષો હોઈ શકે છે.”
દંડ ભરવા માટેના કેસની સુનાવણી બાદ કોર્ટે આ મામલાને આઠ ફેબ્રુઆરી સુધી સ્થગિત કર્યો છે.આ દિવસે નીરવને ફરી વિડિયો કોન્ફરન્સિંગથી કોર્ટ સમક્ષ રજૂ કરાઈ શકે છે.