ગુજરાતમાં વિધાનસભાની પહેલી ડિસેમ્બરે યોજાનારી પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે કુલ 999 ઉમેદવારો મેદાનમાં રહ્યાં છે. રાજ્યની કુલ ૧૮૨ બેઠકો માટે ૧ અને ૫ ડિસેમ્બરે બે તબક્કામાં ચૂંટણી યોજાશે.
રાજ્યના ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ભરાયેલા 1,362 ફોર્મમાંથી કુલ 999 ઉમેદવારી ફોર્મ માન્ય હોવાનું જાણવા મળ્યું છે.
પ્રથમ તબક્કાની ૧૯ જિલ્લાની ૮૯ બેઠક માટેની ચૂંટણી માટેના ઉમેદવારીપત્રો ભરાવાની મુદત પૂરી થયાં બાદ તેની ચકાસણી થયા પછી ફોર્મ પરત ખેંચવાની તારીખ પણ ૧૭મીને ગુરુવારે પૂરી થઇ હતી. પ્રાથમિક માહિતી મુજબ પ્રથમ તબક્કામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં કુલ ૧૩૬૨ ફોર્મ ભરાયા હતા. તેમાંથી ૩૬૩ ફોર્મ રદ થતા ૯૯૯ ફોર્મ સ્વીકારાયા હતા.
પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ૧૭ નવેમ્બરથી ૧ ડિસેમ્બર સુધી ૧૪ દિવસ મળશે. નોંધનીય છે કે, બીજા તબક્કામાં મધ્ય ગુજરાતની ૬૧ અને ઉત્તર ગુજરાતની ૩૨ મળીને કુલ ૯૩ બેઠકની ચૂંટણી થશે. હાલની સ્થતિએ મધ્ય ગુજરાતની ૬૧ બેઠકોમાંથી ભાજપને ૩૭ તથા કોંગ્રેસને ૨૨ ઉપરાંત અન્યોને ૨ બેઠકો મળી હતી. ઉત્તર ગુજરાતની કુલ ૩૨ બેઠકોમાંથી ભાજપે ૧૪ તથા કોંગ્રેસને ૧૮ બેઠકો ઉપર વિજય મળ્યો હતો. અમદાવાદની 21 બેઠકો માટે 438 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.