10 killed in shooting at Chinese New Year party in California
કેલિફોર્નિયાના મોન્ટરે પાર્કમાં 22 જાન્યુઆરી 2023ના રોજ થયેલા શૂટિંગના સ્થળે ઇમર્જન્સી રિસ્પોન્ડર્સને દર્શાવતા વીડિયોના સ્ક્રીનશોટ TNLA/Handout via REUTERS

કેલિફોર્નિયાના મોન્ટેરે પાર્ક શહેરની ડાન્સ ક્લબમાં શનિવાર રાત્રે સ્થાનિક સમુદાયના લોકો ચીની નવા વર્ષની ઉજવણી કરી રહ્યાં ત્યારે બંદૂકધારીએ કરેલા અંધાધૂંધ ફાયરિંગમાં 10 લોકોના મોત થયા હતા અને 10 ઘાયલ થયા હતા. આ ક્લબમાં હજારો લોકો ચીનના લુનાર ન્યુ યરની ઉજવણી કરી રહ્યાં હતા. શનિવાર બે-દિવસીય ચાઇનીઝ ન્યૂ યર ફેસ્ટિવલના પ્રારંભનો પ્રથમ દિવસ હતો અને હુમલાને કારણે બીજા દિવસની ઉજવણી મોકૂફ રખાઈ હતી. સામાન્ય રીતે નવા વર્ષની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં હોય છે.

લોસ એન્જલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટના કેપ્ટન એન્ડ્ર્યુ મેયરે જણાવ્યું હતું કે ઘટનાસ્થળે 10 લોકોના મોત થયા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. કેટલાંકની હાલત ગંભીર હતી. આ હુમલાના હેતુ અંગે માહિતી નથી. શકમંદ અંગે પણ કોઇ જાણકારી નથી. આ હુમલો હેટ ક્રાઇમ હતો કે નહીં તે કહેવું વહેલું ગણાશે. અમે તમામ એન્જગને ધ્યાનમાં રાખીને તપાસ કરીશું.  પોલીસે હુમલાખોરોની શોધખોળ ચાલુ કરી હતી.

મેયરે જણાવ્યું હતું કે અધિકારીઓ શનિવારે રાત્રે 10:30 વાગ્યે પહોંચ્યા ત્યારે લોકો ઘટનાસ્થળેથી ચીસો પાડીને બહાર દોડતા હતા. અધિકારીઓ પછીથી બોલરૂમમાં ગયા અને મૃતકો જોવા મળ્યા હતા. અગ્નિશામકોએ ઘાયલોની સારવાર કરી હતી.

તેમણે શંકાસ્પદ પુરુષ વ્યક્તિ અથવા તેને જે હથિયારનો ઉપયોગ કર્યો હતો તેનું કોઈ માહિતી આપી ન હતી. પોલીસે પણ ગોળીબારની કલાકો સુધી કોઇ માહિતી આપી ન હતી. હુમલાખોર દેખીતી રીતે જ ફરાર થઈ ગયો હતો.

મોન્ટેરે પાર્ક શહેરની વસતિ આશરે 60,000 છે. તેમાં એશિયાના લોકોની સંખ્યા મોટી છે. તે લોસ એન્જેલસથી આશરે 16 કિમી દૂર આવેલું છે.

હુમલો થયો હતો તે સ્ટ્રીટમાં સીફૂડ બાર્બેક્યુ રેસ્ટોરાના માલિક સુંગ વોન ચોઇએ જણાવ્યું હતું કે શૂટર પાસે અનેક રાઉન્ડ દારૂગોળો સાથેની મશીનગન હતી અને ગોળીબાર એક ડાન્સ ક્લબમાં થયો હોવાનું કહેવાય છે.

સોશિયલ મીડિયા  આ હુમલા વીડિયો ફરતા થયા હતા. તેમાં એક નિર્જન ક્રોસરોડ દેખાય છે જેનો  એક વિભાગ કોર્ડન કરેલો છે અને પૃષ્ઠભૂમિમાં પોલીસ સાયરન છે. અન્ય ઇમેજિસ દર્શાવે છે કે લોકોને એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવે છે અને કેટલાક રસ્તાની બાજુમાં બેસીને તબીબી સારવાર લઈ રહ્યા છે.

ઘટના સ્થળેથી સમાચાર એજન્સી એએફપીના પત્રકારોએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હતી અને આ વિસ્તારોમાં હેલિકોપ્ટર ઉડતા હતા.

લોસ એન્જલસ સિટી કંટ્રોલર કેનેથ મેજિયાએ ટ્વીટ કર્યું હતું કે  અમારા પડોશી શહેર મોન્ટેરે પાર્કમાં પ્રિયજનોને ગુમાવનારા વ્યક્તિ સાથે અમારી સંવેદના છે.  વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે પ્રેસિડન્ટ જો બાઇડનને હોમલેન્ડ સિક્યુરિટી એડવાઈઝર એલિઝાબેથ શેરવુડ-રેન્ડલ દ્વારા પરિસ્થિતિ વિશે માહિતી આપવામાં આવી હતી.

LEAVE A REPLY