આ વિકેન્ડમાં 9/11 તરીકે સમગ્ર વિશ્વમાં ઓળખાતા અમેરિકા ઉપરના ત્રાસવાદી હુમલાને 20 વર્ષ પુરા થઈ રહ્યા છે. જોગાનુજોગ, ગયા મહિને જ અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી પોતાનું લશ્કર પાછું ખેંચવાની કામગીરી પૂર્ણ કરી હતી. 9/11 અને તે પછીના ઈરાક સામેના યુદ્ધ તેમજ અફઘાનિસ્તાનમાં તાલિબાન સામેના જંગમાં 2600 જેટલા અમેરિકી સૈનિકો શહીદ થયા હતા. અનેક લોકો એવું માને છે કે, 20 વર્ષના અફઘાનિસ્તાન કેમ્પેઈન પછી સરવાળે અમેરિકાએ કઈં હાંસલ કર્યું નથી, ફક્ત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન પાછળ અનેક મિલિયન ડોલર્સનો ધૂમાડો કર્યો છે, જે સરવાળે નક્કામો બની ગયો છે, કારણ કે અફઘાનિસ્તાનમાં તો ફરી તાલિબાનીઓ સત્તા ઉપર આવી ગયા છે.
આજે અમેરિકામાં 70 મિલિયનથી થોડા વધુ લોકો તો એવા છે કે જેમનો જન્મ પણ 09/11 પછી થયો હતો, તેથી એ લોકોને તો અમેરિકા તેમજ અમેરિકન લોકોના જીવનમાં સૌથી મોટી આઘાતજનક આ ઘટના વિષે કઈં ખાસ જાણકારી નથી. પણ એ વખતે જે લોકો હયાત હતા તેમના માટે અમેરિકાના ગુપ્તચર તંત્રની નિષ્ફળતાનો એ વખતે સૌથી મોટો સવાલ ઘૂમરાતો રહ્યો હતો. 09/11 ની 20મી એનિવર્સરીએ કેટલાક ખાસ કાર્યક્રમો પણ યોજાવાના છે.
૧૧મી સપ્ટેમ્બર ૨૦૦૧ના દિવસને માનવજાતનો ઇતિહાસ કયારેય ભૂલી શકે તેમ નથી. ન્યૂ યોર્ક શહેર જ નહીં, સમગ્ર વિશ્વ આ ત્રાસવાદી હુમલાના કારણે હચમચી ઉઠયું હતું. 20 વર્ષ પૂર્વે 2001ના સપ્ટેમ્બરની 11 તારીખે અજેય અને દુર્ભેદ્ય ગણાતા વિશ્વના સુપર પાવર અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર આયોજનબદ્ધ રીતે હુમલો કરાયો હતો. આ ઘટનામાં 2,750 જેટલાં લોકો માર્યા ગયા હતા. અમેરિકા ઉપરના આ હુમલાએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. હુમલા પાછળ અલ-કાયદાનાે પ્રમુખ ઓસામા બિન લાદેન જવાબદાર હોવાનું અમેરિકાના સત્તાવાળાઓનું તારણ હતું. લાદેનને અમેરિકન કમાન્ડોએ લગભગ 10 વર્ષ પછી પાકિસ્તાનમાં તેના છુપા રહેઠાણમાં ઘૂસી જઇને ઠાર કર્યો હતો.
જો બાઇડેન 9/11ના હુમલાના સ્થળોની મુલાકાત લેશે
અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઇડેન 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા ત્રાસવાદી હુમલાની 20મી એનિવર્સરી નિમિત્તે 9/11 ના તે તમામ ત્રણેય સ્મારકોની મુલાકાત લેશે અને તે દિવસે મૃત્યુ પામેલા અંદાજે ત્રણ હજાર લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
પ્રેસિડેન્ટ બાઇડેન ન્યૂયોર્કમાં ગ્રાઉન્ડ ઝીરો, પેન્ટાગોન અને પેન્સિલવેનિયામાં શેન્ક્સવિલેની બહારના સ્મારકની મુલાકાત લેશે, ત્યાં યુનાઇટેડની ફ્લાઇટ 93ને બળજબરીપૂર્વક ઉતારવામાં આવી હતી. તેમની સાથે આ પ્રવાસમાં ફર્સ્ટ લેડી જિલ બાઇડેન રહેશે તેમ, વ્હાઇટ હાઉસે શનિવારે જણાવ્યું હતું.
આ ઉપરાંત વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ પણ શેન્ક્સવિલેની અલગથી મુલાકાત લેશે. પછી તેઓ પેન્ટાગોનમાં પ્રેસિડેન્ટ સાથે જોડાશે, તેવું વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું. હેરિસની સાથે પ્રવાસમાં તેમના પતિ ડૌગ એમહોફ પણ હશે.
2011માં આ હુમલાની 10મી એનિવર્સરી નિમિત્તે ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ લીધેલી સ્મારકોની મુલાકાત જેવો જ કાર્યક્રમ પ્રેસિડેન્ટ બાઇડેનનો છે. ઓબામાની ન્યૂયોર્ક સિટીની મુલાકાત યોગાનુયોગ હતી, ત્યાં સ્મારકનું લોકાર્પણ કરાઉં હતું. ત્યાં એક સમયે વર્લ્ડ ટ્રેડ સેન્ટર ટાવર્સ હતા. અફઘાનિસ્તાનમાં લગભગ બે દાયકા લાંબા યુએસ યુદ્ધના અંત પછી આ શનિવારે હુમલાની એનીવર્સરી આવી રહી છે.
વીસ વર્ષ પછી યે સંખ્યાબંધ મૃતકોની ઓળખ થઇ શકી નથી
આ ભીષણ ત્રાસવાદી હુમલાના 20 વર્ષ પછી પણ જે મૃતકોની ઓળખ હજી સુધી થઈ શકી નથી તે તમામની ઓળખ કરવાના પ્રયાસો ન્યૂ યોર્કની એક લેબમાં ચાલી રહ્યા છે. માર્યા ગયેલા લોકો પૈકીના સંખ્યાબંધ લોકોની ઓળખ 20 વર્ષ પછી પણ થઈ શકી નથી.
ન્યૂ યોર્કની એક લેબમાં મૃતકોના ડીએનએ ટેસ્ટ માટે તમામ સંભવિત વૈજ્ઞાનિક ઉપાય કરવામાં આવી રહ્યા છે. હાડકાના અવશેષ જે કાટમાળ હેઠળથી મળ્યા હતા તેમને પાઉડરમાં ફેરવી કાઢીને જુદી જુદી રસાયણિક પ્રક્રિયાઓ માટે ટ્યુબમાં નાંખવા, બીજા કેમિકલ મારફતે સેમ્પલો તૈયાર કરવા અને ત્યાર પછી એવા મશીનમાં મુકવામાં આવી રહ્યા છે જેના તેના કારણે ડીએનએ અંગે માહિતી મળી શકે. 20 વર્ષ પછી પણ લેબના વૈજ્ઞાનિકો અને કામ કરનાર અન્ય લોકોને હજુ સુધી સફળતા મળી નથી. આ લોકો મૃતકોની ઓળખ કરવાના તમામ પ્રયાસો કરી રહ્યા છે. લેબના એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે હાડકાના બચી ગયેલા અવશેષ મારફતે ડીએનએ ટેસ્ટ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
માત્ર આ અવશેષ મારફતે ડીએનએ નક્કી કરવાની બાબત સરળ નથી. આ ભયાનક ત્રાસવાદી હુમલામાં માનવ શરીરના ૨૨૦૦૦ ટુકડા મળ્યા હતા. તેમની હજુ સુધી ૧૦ થી ૧૨ વખત તપાસ કરાઈ ચૂકી છે. આધુનિક ટેકનોલોજીના ઉપયોગ કરવા છતાં માત્ર ૧૬૪૨ લોકોની ઓળખ જ થઇ છે. હજુ કેટલાય પડકારોનો સામનો તપાસકારોએ કરવાનો છે.