કોરોનાવાયરસના કારણે છેલ્લા 24 કલાક દરમિયાન 881 લોકોના મોત નિપજ્યા છે અને વિવિધ હોસ્પિટલોમાં સારવાર દરમિયાન 7,978 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. આજે કોરોનાવાયરસના નવા 4,344 કેસ નોંધાયા હતા અને કુલ કેસની સંખ્યા 65,૦77 થઇ હતી. વડા પ્રધાન હજી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં છે અને તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે. ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે જણાવ્યુ હતુ કે આગામી ઇસ્ટર સપ્તાહ દરમિયાન કોરોનાવાયરસ રોગચાળો તેની ટોચ પર પહોંચશે અને તે પછી જ લૉકડાઉન હળવુ કરવા વિચારણા થશે. આવતા અઠવાડિયાના અંત સુધી લૉકડાઉન પ્રતિબંધો દૂર કરવાના કોઈપણ નિર્ણયની અપેક્ષા રાખવી જોઈએ નહીં.
બ્રિટન અત્યાર સુધીમાં એક જ દિવસમાં 1,000ના મોતની ઘોષણા કરવાના ઘેરા લક્ષ્યને ટાળવામાં સફળ રહ્યું છે, જે ફક્ત યુ.એસ.માં બન્યું છે. એનએચએસ ઇંગ્લેન્ડની હોસ્પિટલોમાં 24 થી 103 વર્ષની વયના 765 દર્દીઓના મોત નિપજ્યાં હોવાનુ અને ઇંગ્લેન્ડમાં કુલ 7,248 મોત થયા છે. જ્યારે સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 116 લોકોના મૃત્યુની ઘોષણા આજે કરવામાં આવી હતી.
ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબ, મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વlલેન્સ અને મુખ્ય તબીબી અધિકારી ક્રિસ વિટ્ટીએ આજે 10 ડાઉનીંગ સ્ટ્રીટ ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી.
વડા પ્રધાનના આરોગ્ય અંગે અપડેટ આપતા રાબે જણાવ્યુ હતુ કે “તેઓ હજી ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર લઇ રહ્યા છે અને તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે અને તેમની હાલત સારી છે. લોકડાઉન પગલાની શું અસર પડે છે તેની આકારણી કરવા માટે સરકાર ડેટા એકત્રિત કરી રહી છે. પ્રારંભિક સંકેતો મુજબ લોકડાઉન અને સોશ્યલ ડીસ્ટન્સીસની અસર થઈ રહી છે. પરંતુ જ્યાં સુધી અમને પુરાવા નહી મળે ત્યાં સુધી લોકડાઉન અમલમાં રહેશે. મૃત્યુની સંખ્યા હજી પણ વધી રહી છે અને નિયમો હળવા કરી આપણે કોરોનાવાયરસના રોગથી વધુ લોકોને મારવાની તક ન આપવી જોઈએ. લોકોએ આપેલા બલિદાનને સરકાર માન્યતા આપે છે. આ સહિયારો પ્રયાસ છે અને તે ચાલુ રાખવાનો છે.’’
રાબે જણાવ્યુ હતુ કે ‘’એનએચએસ અને અન્ય ફ્રન્ટલાઈન કામદારોને કઇ રીતે ઔપચારિક નાણાકીય પુરસ્કાર આપી શકાય તે અંગે સરકાર વિચારશે. પરંતુ આ પુરસ્કાર કયા સ્વરૂપમાં હશે તે કહેવાનો રાબે ઇનકાર કર્યો છે. પોલીસ મોટું કામ કરી રહી છે અને લોકોને મારે આગ્રહ છે વાતાવરણ ભલે હંફાળુ હોય પણ આપણે એનએચએસના બલિદાનો વિશે વિચારવું જોઇએ અને આ ઇસ્ટર વેકેન્ડમાં ઘરે જ રહેવું જોઇએ.”
લૉકડાઉન ઉપાડવાના નિર્ણય બાબતે કરાયેલા પ્રશ્નના જવાબમાં રાબે જણાવ્યુ હતુ કે ‘’સંબંધિત નિર્ણયો લેવાની જરૂરી બધી સત્તા મને મળી ગઈ છે. મારે બોરિસ જ્હોન્સન હોસ્પિટલમાં દાખલ થયા તે પછી કોઇ સંપર્ક થયો નથી. મને લાગે છે કે તેમને માટે આરોગ્યની પુનપ્રાપ્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવું અગત્યનું છે.’’
મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વlલેન્સે જણાવ્યુ હતુ કે ‘’યુકે જે પગલાં લઈ રહ્યું છે તે વાયરસના સંક્રમણને અટકાવે છે અને હોસ્પિટલમાં કેસને નીચે રાખે છે. નવા કેસો આકાશમાં આંબે તેટલા ઉંચા ગયા નથી. તેમ છતાં અમે હોસ્પિટલમાં દાખલ થતાં કેસોને ધીમા પડતા જોવાની શરૂઆત કરી છે. ઇન્ટેન્સિવ કેર યુનિટની તસવીરમાં સુધારો થયા પછી લગભગ બે અઠવાડિયા સુધી મૃત્યુની સંખ્યામાં વધારો થવાની તેમને અપેક્ષા છે અને હજૂ આપણે તે સ્ટેજ સુધી પહોંચ્યા નથી. લોકો સામાજિક અંતરના નિયમોનુ પાલન કરે છે તેથી એનએચએસ સામનો કરી શકે છે યોગ્ય સંખ્યામાં બેડ ઉપલબ્ધ છે.”
મુખ્ય તબીબી સલાહકાર ક્રિસ વિટ્ટીએ જણાવ્યુ હતુ કે ‘’એનએચએસના આંકડા ઉપયોગી છે કારણ કે અમે તે ખૂબ ઝડપથી મેળવી શકીએ છીએ અને તેને કારણે અમને રોગચાળાનુ વલણ જોવા મળે છે”
- ડોમિનિક રાબે આજે કોબ્રા સમિતિના અધ્યક્ષ સ્થાને લૉકડાઉન આવતા અઠવાડિયાઓ સુધી ચાલુ રાખવાની તૈયારી કરી છે.
- મંત્રીઓ માને છે કે લોકડાઉન મે મહિનાના ઓછામાં ઓછા પ્રથમ અઠવાડિયા સુધી રહેશે, પરંતુ નિષ્ણાતો કહે છે કે તે પછીથી લોકડાઉન જશે.
- સની ઇસ્ટર વીકએન્ડમાં લોકો દરિયાકિનારા અને પાર્કોમાં મોટા પ્રમાણમાં જાય તેવી સ્થિતીમાં પોલીસ લોકોને લાંબા અંતરે જતા રોકશે અને દિવસમાં એક કરતા વધારે વાર કસરતને ગેરકાયદેસર બનાવવા જેવા સખ્ત પ્રતિબંધોનો પણ આગ્રહ કરી રહી છે.
- આઈએફએસ થિંક-ટાંકે ચેતવણી આપી છે કે આર્થિક ત્રાસના પરિણામે દસ લાખથી વધુ લોકો લાંબા ગાળાની બીમારીનો ભોગ બની શકે છે.
- લેબર નેતા કીર સ્ટારમરે કહ્યું હતુ કે મંત્રીઓએ તેમની ‘એક્ઝિટ વ્યૂહરચના’ તૈયાર કરવી પડશે.
- સાંસદોને અને સ્ટાફને ઘરેથી કામ કરવામાં સહાય માટે વધારાના 10,000 પાઉન્ડ ખર્ચ પેટે ઓફર કરવામાં આવ્યા છે.