એનએચએસના ઇતિહાસના સૌથી મોટા અને સૌથી સફળ રસીકરણ પ્રોગ્રામ દ્વારા યુકેમાં વસતા 80 મિલિયન લોકોને કોરોનાવાઇરસ સામે રક્ષણ આપતી રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં 45,697,875 એટલે કે 86.8 ટકા લોકોએ પ્રથમ ડોઝ અને 34,374,246 એટલે કે 65.3 ટકા લોકોએ રસીના બંને ડોઝ મેળવ્યા છે.
રસીકરણ ઝૂંબેશના કારણે ઇંગ્લેન્ડમાં વસતા 18થી 24 વર્ષની વયના અડધાથી વધુ એટલે કે તેમની વસ્તીના 54 ટકા યુવાનોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ચૂક્યો છે અને તે તમામ પુખ્ત વયના લોકો હવે આઠ અઠવાડિયા પછી તેમની રસીનો બીજો ડોઝ મેળવવા માટે પાત્ર છે. આ સફળતા યુવાનો માટેનો રસીકરણ કાર્યક્રમ ખોલ્યાના માત્ર ત્રણ અઠવાડિયા પછી મળી છે. આનો અર્થ એ થશે કે સપ્ટેમ્બરના મધ્ય સુધીમાં પુખ્ત વયના દરેક લોકોને રસીના બે ડોઝ લેવાની તક મળશે.
સરકારે આ અઠવાડિયે જાહેરાત કરી હતી કે જે લોકોએ રસીના બંને ડોઝ લીધા હશે તેમને 19 જુલાઇથી એમ્બર લિસ્ટના દેશોમાંથી ઇંગ્લેન્ડ પાછા આવશે ત્યારે આઇસોલેટ થવું પડશે નહિ. આ માટે તેમણે ઓછામાં ઓછા 14 દિવસ પહેલાં તેમની રસીનો બીજો ડોઝ મેળવ્યો છે તે પૂરવાર કરવું પડશે.
16 ઑગસ્ટથી, રસીના બન્ને ડોઝ મેળવનારા લોકોને કોવિડ-19 કેસના નજીકના સંપર્ક તરીકે ઓળખવામાં આવશે તો પણ તેમને કાયદેસર રીતે સેલ્ફ આઇસોલેટ થવાની જરૂર રહેશે નહીં
પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના વિશ્લેષણ સૂચવે છે કે રસીના પગલા અત્યાર સુધીમાં ફક્ત ઇંગ્લેન્ડમાં જ 8.5 મિલિયન ચેપ અને 30,000 લોકોનાં મોતને અટકાવી શકાયા છે. ડેલ્ટા (B.1.617.2) વેરિયન્ટ સામે રસી ખૂબ અસરકારક છે અને હોસ્પિટલમાં દાખલ થવા સામે બે ડોઝ પછી ફાઇઝર રસી 96 ટકા અને ઓક્સફર્ડ રસી 92 ટકા જેટલી અસરકારક છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રસી મેળવનાર લોકોને કોવિડ-19 થવાની, હોસ્પિટલમાં દાખલ કરવાની, અથવા તેનાથી મૃત્યુ થવાની કે વાઇરસનો ચેપ બીજાને લગાવવાની સંભાવના ઓછી છે.