પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મુંબઈ એરપોર્ટ પર વ્હીલચેરના અભાવે ફ્લાઈટમાંથી ટર્મિનલ સુધી આશરે 1.5 કિમી ચાલ્યા પછી 80 વર્ષના વૃદ્ધ મુસાફરનું મોત થયું હતું. આ પેસેન્જરે વ્હીલચેરની માગણી કરી હતી, પરંતુ તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. તેથી તેમણે ચાલીને જવાનો નિર્ણય કર્યો હતો. આ પેસેન્જર ન્યૂયોર્કથી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુંબઈ ઉતર્યા હતાં. આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના 12 ફેબ્રુઆરીએ બની હતી.

એર ઇન્ડિયાએ શુક્રવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વ્હીલચેરની ભારે માંગને કારણે પેસેન્જરને એરલાઈન સ્ટાફ-આસિસ્ટેડ વ્હીલચેરની રાહ જોવાની વિનંતી કરાઇ હતી, પરંતુ તેમણે તેમના જીવનસાથી સાથે ચાલવાનું પસંદ કર્યું હતું. આ પેસેન્જર વ્હીલચેર પર રહેલી તેમની પત્ની સાથે ઈમિગ્રેશન ક્લિયર માટે આગળ વધી રહ્યાં હતા ત્યારે તબિયત લથડી હતી. પેસેન્જરને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયા હતા. હોસ્પિટલે તેમને મૃત જાહેર કર્યા હતાં.

એર ઈન્ડિયાના જણાવ્યા મુજબ તે શોકગ્રસ્તોના પરિવારના સભ્યો સાથે સતત સંપર્કમાં છે અને જરૂરી સહાયતા આપી રહી છે. અગાઉથી બુકિંગ કરાવનારા તમામ મુસાફરોને વ્હીલચેર આપવા માટેની કંપનીની સ્પષ્ટ નીતિ છે.

મુંબઈ એરપોર્ટ ઓપરેટર MIALના એક અધિકારીએ જણાવ્યું હતું કે વ્હીલચેર સહાય એરલાઇન દ્વારા આપવામાં આવતી સેવા છે. ટર્મિનલ પર વ્હીલચેરની ઇન્વેન્ટરી અને માનવશક્તિની સહાયનું સંચાલન પણ સંબંધિત એરલાઇનનો ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફ કરે છે. એરપોર્ટ ઓપરેટર માત્ર એરલાઈન સાથે સંકલન કરવામાં મદદ કરે છે.

LEAVE A REPLY