આગામી વર્ષે લોકસભાની ચૂંટણી અને સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં જી-20 સમીટ પહેલા ભારત સહિત વિદેશમાં થયેલા એક સરવેમાં બહાર આવ્યું છે કે આશરે 80 ટકા ભારતીયો વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે સાનુકૂળ દૃષ્ટિકોણ ધરાવે છે અને પ્રત્યેક 10માંથી સાત ભારતીયો માને છે કે વૈશ્વિક ફલક પર તેમનો દેશ તાજેતરમાં વધુ પ્રભાવશાળી બન્યો છે, એમ પીડબલ્યુ રિસર્ચ સેન્ટરના એક સરવેમાં જણાવાયું હતું.
આ સરવે 20 ફેબ્રુઆરીથી 22મે દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં ભારત સહિત 24 દેશોના 30,861 પુખ્ત વયના લોકોને સામેલ કરાયાં હતાં. તેમાં લોકોને વડાપ્રધાન મોદી માટેનો વૈશ્વિક અભિપ્રાય, ભારતની વૈશ્વિક તાકાતના વ્યાપ અને અન્ય દેશો અંગેના ભારતીયોના વિચારો અંગેની ચકાસણી કરાઈ હતી.
ભારતમાં G-20 સમિટ પહેલા પીડબલ્યુ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણમાં જણાવાયું છે કે સમગ્ર વિશ્વમાં ભારત અંગેનો જાહેર અભિપ્રાય એકંદરે સકારાત્મક હતો. સરેરાશ ધોરણે 46 ટકા લોકો ભારત અંગે સાનુકૂળ અભિપ્રાય ધરાવે છે. આની સામે 34 ટકા લોકો પ્રતિકૂળ મંતવ્યો ધરાવે છે. સોળ ટકા લોકોએ બિલકુલ તેમનો કોઇ અભિપ્રાય આપ્યો ન હતો.
ઈઝરાયેલમાં ભારત પ્રત્યેના મંતવ્યો સૌથી વધુ સકારાત્મક રહ્યાં છે, જ્યાં 71 ટકા લોકો કહે છે કે તેઓ ભારત પ્રત્યે સાનુકૂળ દૃષ્ટિકોણ ધરાવે છે.
મંગળવારના રોજ જાહેર કરાયેલા સર્વેક્ષણના પરિણામો અનુસાર 10માંથી આઠ ભારતીયો મોદી પ્રત્યેના “સાનુકૂળ” અભિપ્રાય ધરાવે છે. આમાંથી બહુમતી (55 ટકા) લોકો “ખૂબ જ અનુકૂળ” અભિપ્રાય ધરાવે છે.
વડાપ્રધાન તરીકે મોદીનો આ બીજો કાર્યકાળ છે અને તેઓ 2024ની લોકસભા ચૂંટણીમાં ત્રીજી મુદત પણ ઈચ્છી રહ્યાં છે. સરવેમાં જાણવા મળ્યું છે કે 2023માં માત્ર પાંચમા ભાગના ભારતીયોએ મોદી માટે પ્રતિકૂળ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
ભારતીય પુખ્ત વયના લોકો માને છે કે ભારતના દબદબામાં વધારો થઈ રહ્યો છે. દસમાંથી સાત ભારતીયો માને છે કે તેમનો દેશ તાજેતરમાં વધુ પ્રભાવશાળી બન્યો છે. આની સરખામણીમાં 19 દેશોમાં 2022 કરવામાં આવેલા સરવેમાં સરેરાશ માત્ર 28 ટકા લોકોએ કહ્યું હતું કે ભારતનો પ્રભાવ વધી રહ્યાં છે.
રિપોર્ટ અનુસાર લગભગ અડધા ભારતીયો (49 ટકા) કહે છે કે ભારત પર તાજેતરના વર્ષોમાં અમેરિકાનો પ્રભાવ વધુ મજબૂત થઈ રહ્યો છે. આની સામે 41 ટકા લોકોએ કહ્યું હતું કે રશિયાનો પ્રભાવ વધી રહ્યો છે. જોકે ચીનના પ્રભાવ અંગે ભારતીયોના મંતવ્યો અલગ અલગ છે.