કેનેડાથી ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતી વખતે સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી જવાથી ભારતીય પરિવારના સભ્યો સહિત આઠ લોકોના મોત થયા છે. અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી હતી. કેનેડિયન ન્યૂઝ ઓર્ગેનાઈઝેશન ‘CBC’ અને ‘CTV’ના રીપોર્ટ મુજબ , કેનેડિયન કોસ્ટ ગાર્ડ સાથે હેલીકોપ્ટર દ્વારા શોધખોળ દરમિયાન ગુરુવારે સવારે ક્વિબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ પાસે પોલીસને મૃતદેહ જોવા મળ્યા હતા.
સ્થાનિક પોલીસ સર્વિસના ડેપ્યુટી ચીફ લી-એન ઓ’બ્રાયને શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે, ‘એવું માનવામાં આવે છે કે છ લોકો બે પરિવારના હતા. એક પરિવાર રોમાનિયન મૂળનો છે અને બીજો ભારતનો છે. અધિકારીએ કહ્યું, ‘એવું માનવામાં આવે છે કે તમામ કેનેડાથી ગેરકાયદે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા.’ બે બાળકો સહિત આઠ લોકોના આ રીતે અમેરિકામાં ઘૂસણખોરીના પ્રયાસ કર્યા પછી કેનેડા-અમેરિકા બોર્ડર નજીક કાદવમાં મૃત મળી આવ્યા હતા, તેવું પોલીસે શુક્રવારે જણાવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેમના મૃતદેહો એકવેસાસ્ને મોહોક સમુદાયના ગુમ થયેલા વ્યક્તિની ડૂબી ગયેલી બોટ પાસે મળી આવ્યા હતા. સ્થાનિક પોલીસ વડા શોન ડ્યુલુડે મીડિયા જણાવ્યું હતું કે, “હવે કુલ આઠ મૃતદેહો પાણીમાંથી મળી આવ્યા છે.” કેનેડિયન અધિકારીઓનું માનવું છે કે તમામ કેનેડામાંથી ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મોહોક આદિવાસી પ્રદેશ કેનેડિયન પ્રાંતો ક્યૂબેક અને ઓન્ટારિયો અને અમેરિકન રાજ્ય ન્યૂયોર્ક સુધી ફેલાયેલો છે.
વરસાદ, કરા અને તેજ પવન સહિત પ્રતિકૂળ હવામાનના કારણે આ નાની બોટ પલટી ગઇ હોવાનું માનવામાં આવે છે. આ વિસ્તારમાં હેલીકોપ્ટર દ્વારા શોધખોળ દરમિયાન પ્રથમ મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ જાણવા માટે અધિકારીઓ પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલોજી ટેસ્ટના પરિણામોની રાહ જોઈ રહ્યા છે. આ અંગે વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ મીડિયાને જણાવ્યું હતું કે, “અમારી સંવેદના મૃતકો લોકોના પરિવારો સાથે છે, આ એક હૃદયદ્રાવક સ્થિતિ છે.”
પોલીસના જણાવ્યા મુજબ, અમેરિકામાં માનવ તસ્કરીમાં વધારો જોવા મળ્યો છે, યુ.એસ. કસ્ટમ્સ એન્ડ બોર્ડર પેટ્રોલના પબ્લિક અફેર્સ ઓફિસર રેયાન બ્રિસ્સેટે જણાવ્યું હતું કે, એજન્સીને સરહદ પર “એન્કાઉન્ટર્સ અને ધરપકડોમાં મોટો વધારો” જોવા મળ્યો છે. એજન્સીને અગાઉના વર્ષોની સરખામણીએ 2022માં કેનેડાથી અમેરિકામાં ઘૂસવાનો પ્રયાસ કરતા આઠ ગણાથી વધુ લોકો જોયા હતા, તેમણે જણાવ્યું હતું. તેમાંથી 64,000થી વધુ લોકો ક્યુબેક અથવા ઓન્ટારિયો થઈને ન્યૂયોર્ક આવ્યા હતા.
બ્રિસ્સેટે જણાવ્યું હતું કે, “ભૂતકાળમાં આ વિસ્તારની તુલના કરીએ તો, આ એક નોંધપાત્ર સંખ્યા છે. આવું શા માટે થઈ રહ્યું છે, શા માટે લોકો ઉત્તરીય સરહદેથી અચાનક આવી રહ્યા છે તેના ઘણા જુદા જુદા કારણો છે. હું માનું છું કે, તેમાંના ઘણા વિચારે છે કે તે સરળ છે, એક સરળ તક પણ છે અને પરંતુ તેઓ જાણતા નથી કે તેનાથી શું જોખમ ઊભું થાય છે, ખાસ કરીને શિયાળાના મહિનાઓમાં.”
એકવેસાસ્ને પોલીસનું કહેવું છે કે, લોકોએ સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો હોવાની 48 ઘટનાઓ બની છે. જાન્યુઆરીથી મોહોક પ્રદેશમાંથી કેનેડામાં અથવા અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશ્યા હતા અને તેમાંથી મોટાભાગના ભારતીય અથવા રોમાનીયન મૂળના છે.
જાન્યુઆરી 2022માં, કેનેડા-અમેરિકાની બોર્ડર નજીક મેનિટોબામાં એક બાળક સહિત ચાર ગુજરાતીઓના મૃતદેહ બરફમાં થીજી ગયેલી હાલતમાં મળી આવ્યા હતા. એપ્રિલ 2022માં, સેન્ટ રેગિસ નદીમાં ડૂબતી બોટમાંથી છ ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા હતા, જે એકવેસાસ્ને મોહોક પ્રદેશમાંથી પસાર થાય છે.