કતારની અદાલતે જાસૂસીના કથિત કેસમાં ભારતીય નૌકાદળના આઠ અધિકારીઓને આપવામાં આવેલી મૃત્યુદંડની સજામાં ઘટાડો કર્યો છે, એમ ભારતના વિદેશ મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું. જોકે ઘટાડેલી સજા વિશેની વિગતો હજુ બહાર આવી નથી
મંત્રાલયયે જણાવ્યું હતું કે અમે દાહરા ગ્લોબલ કેસમાં કતારની અપીલ કોર્ટના આજે ચુકાદાની નોંધ લીધી છે, જેમાં સજા ઓછી કરાઈ છે. વિગતવાર ચુકાદાની રાહ જોવાઈ રહી છે. અમે આગામી પગલાઓ પર નિર્ણય લેવા માટે કાનૂની ટીમ તેમજ પરિવારના સભ્યો સાથે કતારના સત્તાવાળાના સતત સંપર્કમાં છીએ.
ઓક્ટોબરમાં કતારની કોર્ટ ઓફ ફર્સ્ટ ઇન્સ્ટન્સે આર્મીના આઠ ભૂતપૂર્વ જવાનોને મૃત્યુદંડની સજા કરી હતી. ભારતે આ ઘટનાક્રમ પર આઘાત વ્યક્ત કરતા કહ્યું હતું કે તે આ નિર્ણયને પડકારશે. ગયા વર્ષે ઓગસ્ટમાં કતાર સત્તાવાળાઓએ ઇઝરાયેલ માટે જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યા બાદ આ આઠ વ્યક્તિઓની ધરપકડ કરાઈ હતી.
કોર્ટમાં સુનાવણી દરમિયાન કતારમાં ભારતીય રાજદૂત અને અધિકારીઓ પરિવારના સભ્યો હાજર હતા. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે “અમે મામલાની શરૂઆતથી તેમની સાથે ઉભા છીએ અને અમે તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાયતા આપવાનું ચાલુ રાખીશું. અમે કતારના સત્તાવાળાઓ સાથે પણ આ મામલો ઉઠાવવાનું ચાલુ રાખીશું,”