અમેરિકાના ટેક્સાસના એક મોલમાં શનિવારે બંદૂકધારીએ કરેલા આડેધડ ફાયરિંગમાં 9 લોકોના મોત થયાં હતાં અને સાત લોકો ઘાયલ થયાં હતાં. આ હુમલામાં ઐશ્વર્યા થટ્ટીકાંડી નામની એક ભારતીય મહિલા એંજીનીયરનો પણ સમાવેશ થાય છે. પાછળથી હુમલાખોરે પણ પોતાને ગોળી મારીને આપઘાત કર્યો હતો. આ ગોળીબારથી ડલ્લાસની ઉત્તરે 25 માઈલ (40 કિલોમીટર) દૂર આવેલા એલન પ્રીમિયમ આઉટલેટ્સમાં ગભરાટ ફેલાયો હતો. વીકએન્ડ ખરીદદારોથી મોલ ભરચક હતો ત્યારે ફાયરિંગ થયું હતું.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અજાણ્યા શખસે મોલમાં અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં ઘણા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. શૂટરની ઓળખ જાહેર કરાઈ ન હતી.
ડલાસ વિસ્તારમાં સ્થિત મેડિકલ સિટી હેલ્થકેરના એક નિવેદનમાં કહેવાયું હતું કે હોસ્પિટલમાં જે ઈજાગ્રસ્ત લોકોની સારવાર ચાલી રહી છે, તેમની ઉંમર 5થી 61 વર્ષની વચ્ચે છે. સ્થાનિકોએ કહ્યું કે આ હુમલામાં પોલીસ અધિકારી, મોલ સુરક્ષા કર્મી અને બાળકોને પણ ઈજા પહોંચી હતી.
મોલમાં અચાનક અંધાધૂંધ ફાયરિંગ શરૂ થઈ જતા હાજર સેંકડો દુકાનદાર ભાગી ગયા હતાં. વીડિયોમાં જોવા મળ્યું કે અચાનક એક વ્યક્તિ ગાડીમાં બહાર આવ્યો અને લોકો પર અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યો હતો. આ જોઈ દુકાનદારો પણ જીવ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા હતા. અહીં ગન શોટ્સ સાંભળી આસપાસ ભયનો માહોલ પ્રસરી ગયો હતો.
વલસાડના વકીલ ચેતન પટેલ (રાબડા)ના આ ફાયરિંગ થયું ત્યારે ત્યાં જ ફસાઇ ગયા હતા. ફાયરિંગ તેમનાથી માત્ર 20 ફૂટ દૂર થયું હતુ. જેનો ખોફ તેમના મનમાં જ નહીં, અંતરમનમાં પણ ઉતરી ગયો હતો.આ હુમલા બાદ વ્હાઈટ હાઉસે કહ્યું કે ઘટના અંગેની વિગતવાર માહિતી પ્રેસિડેન્ટ જો બાઈડને આપવામાં આવી છે. તેમણે આવશ્યક પગલા ભરવા માટે તજવીજ શરૂ કરવા જણાવ્યું હતું. અમેરિકામાં ચાલુ વર્ષે અત્યાર સુધી માસ શુટિંગની 195 ઘટના બની છે. ચાર અથવા વધુ લોકોના મોતે કે ઇજા થાય ત્યારે તેને માસ શૂટિંગ ગણવામાં આવે છે.