ગુજરાતમાં તલાટીની 3437 ખાલી જગ્યાઓ માટે આશરે 8.64 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. સરકારી ભરતીની પરીક્ષામાં પેપર લીક થઈ જતાં હોવાથી આ વખતે સરકારે લોખંડી સુરક્ષાની વ્યવસ્થા કરી હતી. અમદાવાદની ગુજરાત કોલેજમાં સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો હતો જ્યાંથી પરીક્ષા શરૂ થવાના એક-બે કલાક પહેલા રવિવારે સુપરવાઈઝરને પ્રશ્નપત્રો સોંપવામાં આવ્યા હતા.
પશ્ચિમ રેલવેએ વિદ્યાર્થીઓ માટે વધારાની ટ્રેનો પણ મુકી હતી. અમદાવાદથી વડોદરા સુધી ટ્રેનો દોડાવામાં આવી હતી. રવિવારે પાલનપુર માટે બે અને ભાવનગરથી ગાંધીગ્રામ માટે એક ટ્રેન દોડાવવામાં આવી હતી.
પરીક્ષા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) બોર્ડ દ્વારા કડક વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ભરતી પરીક્ષા માટે 17.10 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. જોકે આ પરીક્ષા માટે 8 લાખ 64 હજાર 400 ઉમેદવારોએ સંમતિ આપી હતી. રાજ્યના 33માંથી 30 જિલ્લામાં 2694 પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા.