અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું 15 જૂને ગુજરાતના કચ્છ અને પાકિસ્તાનના કરાચીની વચ્ચે ટકરાવવાની શક્યતા હોવાથી ગુજરાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટાભાગે લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાની કામગીરી ચાલુ કરી હતી. વાવાઝોડાને કારણે 13થી 15 જૂન વચ્ચે રાજયના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ થવાની શક્યતા છે અને 12 જૂને રાજયના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો. સત્તાવાળાઓ 12 જૂને ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં દરિયાકાંઠાથી 10 કિમીની અંદરના ગામડાઓમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. દરિયાકાંઠે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લગભગ 21,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા
વાવાઝોડાને પગલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 12 જૂને એક ઉચ્ચ-સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે અધિકારીઓને સંવેદનશીલ સ્થળોએ રહેતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે દરેક સંભવિત પગલાં લેવાનો આદેશ આપ્યો હતો. પીએમ મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે સાંજે ફોન પર વાતચીત કરી હતી. મોદીએ રાજ્યની તૈયારી વિશે માહિતી માગી હતી.
આ વાવાઝોડું સમુદ્રમાં પ્રચંડ શક્તિશાળી બનીને ગુજરાતના કચ્છના જખૌ-નલિયાથી પાકિસ્તાનના કરાચી વચ્ચેના ભાગ પર ૧૫ જૂને ટકરાશે એવી હવામાન ખાતાએ આગાહી કરી છે. ૧૪-૧૫ જૂન દરમિયાન કાંઠા વિસ્તારોમાં પવનની ગતિ ૧૨૫ કિ.મી. સુધી પહોંચી શકે છે, જે ગતિ વધીને ૧૫૦ થવાની ચેતવણી અપાઇ હતી. આ બન્ને દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ થઇ શકે છે. આને લીધે વૃક્ષો, નબળી ઇમારતો, મકાનોના છાપરાં, વીજળી અને ટેલિફોનના થાંભલા ઉખડી પડે એવી સંભવના સામે તંત્રને ઓરેન્જ એલર્ટ અપાયું છે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોમવારે સાંજે યોજેલી સમીક્ષા બેઠક યોજી હતી. દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા 8
જિલ્લાના 25 તાલુકાના સમુદ્રથી 10 કિ.મી.માં વસેલા 441 ગામોના અંદાજે 17 લાખ લોકોને વાવાઝોડાની અસર થવાની શક્યતા છે. સોમવારે સુરક્ષા અને સલામતીના પગલાંના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લામાં 6827 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે.
રાજયના રાહત કમિશનર જણાવ્યું હતું કે, ગુજરાતમાં ‘બિપરજોય’ વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાઓમાં ૧૪ અને ૧૫ જૂનના રોજ ભારેથી અતિ ભારે વરસાદ અને અંદાજે ૧૨૫ કિ.મી.થી વધુની ઝડપે પવન ફૂંકાશે. આવતીકાલે તારીખ ૧૩ જૂનથી પ્રથમ તબક્કામાં દરિયા કિનારાથી ૧૦ કિ.મીના અંતરે વસતા લોકોને સલામત સ્થળે ખસેડાશે. જેમાં બાળકો, ગર્ભવતી મહિલાઓ તેમજ વૃદ્ધોને પ્રાધાન્ય આપવામાં આવશે. ભારે પવન અને વરસાદથી લોકોને સલામત સ્થળે ખસેડવા વાવાઝોડા પ્રભાવિત જિલ્લાઓમાં NDRF-SDRFની ૧૨-૧૨ ટીમ તૈનાત કરાઇ છે, જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદરમાં બે-બે, મોરબી, ગીરસોમનાથ, જુનાગઢ અને રાજકોટમાં એક-એક જ્યારે વડોદરામાં બે અને ગાંધીનગરમાં NDRFની એક ટીમ અનામત રખાઇ છે.
ગૃ
હ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ દેવભૂમિ દ્વારકા ખાતે સમીક્ષા બેઠક બાદ ગુજરાત સહિત દેશભરના શ્રધ્ધાળુઓને ૧૬ જૂન સુધી દ્વારકાની મુલાકાત મોકૂફ રાખવા અપીલ કરી હતી.