હિમાચલપ્રદેશમાં વિધાનસભા 68 બેઠકો માટે શનિવાર (12 નવેમ્બર)એ યોજાયેલી ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે કુલ 74.9 ટકા મતદાન થયું હતું. રાજધાની શિમલાથી લઈને સ્પીતિની બર્ફીલા ઊંચાઈઓ સુધી રાજ્યભરના લોકોએ નવી રાજ્ય સરકારને ચૂંટવા માટે પર્વતોની ઊંચાઈ અને ઠંડીનો સામનો કરીને ઉમળકાભેર મતદાન કર્યુ હતું. રાજ્ય વિધાનસભાની ચૂંટણીનું પરિણામ ગુજરાતની સાથે 10 ડિસેમ્બરે જાહેર થશે.
રાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ છે. આમ આદમી પાર્ટી પણ 67 બેઠકો પર ચૂંટણી લડી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલ, તેમના પુત્ર અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે હમીરપુરમાં મતદાન કર્યું હતું, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ બિલાસપુરમાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન આનંદ શર્માએ શિમલામાં તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જ્યારે CLP નેતા મુકેશ અગ્નિહોત્રીએ હરોલીમાં કર્યું હતું જ્યાંથી તેઓ ચૂંટણી લડી રહ્યા છે.
રાજ્યના 55 લાખથી વધુ મતદારોએ 412 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ કર્યું છે. તેમાં રાજ્યના મુખ્યપ્રધાન જયરામ ઠાકુર (સેરાજ બેઠક), પૂર્વ મુખ્યપ્રધાન વીરભદ્ર સિંહના પુત્ર વિક્રમાદિત્ય સિંહ અને રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહનો સમાવેશ થાય છે. પ્રતિભા સિંહે શિમલા ગ્રામીણથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે અને તેની માતાએ મતદાન કરતા પહેલા શિમલાના શનિ મંદિરમાં પ્રાર્થના કરી હતી. જયરામ ઠાકુરની સેરાજ બેઠક પર રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું હતું.
સિરમોર જિલ્લામાં સૌથી વધુ 72.79 ટકા મતદાન નોંધાયું હતું, સોલનમાં 68.48 ટકા અને ઉનામાં 68.48 ટકા, મંડીમાં 68.03 ટકા અને લાહૌલ અને સ્પીતિમાં 67.5 ટકા મતદાન નોંધાયું હતું.
ચૂંટણીપંચના ડેટા દર્શાવે છે કે પહાડી રાજ્યની 68 વિધાનસભા મતવિસ્તારોમાંથી મંડી જિલ્લાના સેરાજ સૌથી વધુ 82.22 ટકા મતદાન થયું હતું, આ પછી શિલ્લાઇ 77 ટકા, સુજાનપુર 73.65 ટકા હતું. અહીં ઉલ્લેખનીય છે કે સેરાજ વિધાનસભા બેઠક પર મુખ્યમંત્રી જયરામ ઠાકુર ચૂંટણી લડી રહ્યાં છે. બૈજનાથમાં સૌથી ઓછું 50.25 ટકા મતદાન થયું હતું, જ્યારે સરકાઘાટમાં 55.40 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. હિમાચલપ્રદેશમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી 75.57 હતી, જે 2012ની વિધાનસભા ચૂંટણીમાં 73.5 ટકા હતી. આ વખતે ચૂંટણીપંચના કામચલાઉ ડેટા મુજબ 75 ટકા મતદાન થયું છે.
હિમાચલ પ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) મનીષ ગર્ગ જણાવ્યું હતું કે “મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ રહી હતી અને તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. કોઈ અપ્રિય ઘટના બની ન હતી. ચૂંટણીમાં લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ જોવા મળ્યો હતો. બરફગ્રસ્ત વિસ્તારોમાં પણ લોકો સંપૂર્ણ ઉત્સાહ અને ઉમંગ સાથે મોટી સંખ્યામાં બહાર આવ્યા હતા.” લાહૌલ, સ્પીતિ, ચંબા અને કિન્નૌર વિધાનસભા મતવિસ્તારના આદિવાસી વિસ્તારોમાં લગભગ 130 મતદાન મથકો હતા જે બરફથી પ્રભાવિત હતા.
ઠંડા હવામાન વચ્ચે વૃદ્ધિ મતદાતાએ પણ મોટાપાયે મતદાન કર્યું હતું. 105 વર્ષીય નારો દેવીએ ચંબાના ચુરાહમાં અને103 વર્ષીય સરદાર પ્યાર સિંહએ શિમલામાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા હતા.આ પહાડી રાજ્યમાં 80 વર્ષથી વધુ ઉંમરના 1.21 લાખથી વધુ લોકો છે, જેમાં 1,136 જેટલા લોકોની ઉંમર 100 વર્ષથી વધુ છે. ECએ રાજ્યભરના મતદાન મથકો પર વૃદ્ધો અને વિકલાંગ વ્યક્તિઓ માટે વિશેષ વ્યવસ્થા કરી હતી.