કોરોનો વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી ગયો છે. ચીન બાદ ઈટાલીમાં લોકોનાં મોતનો આંકડો વાયુવેગે વધી રહ્યો છે. ત્યારે વિશ્વભરમાં કોરોના વાઈરસના 4 લાખ 23 હજાર કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 18 હજાર 900 લોકોએ જીવ ગુમાવ્યો છે. વાઈરસ સંક્રમિત એક લાખ નવ હજાર લોકો સારવાર બાદ સારા થઈ ગયા છે. ચીનના વુહાનથી ફેલાયેલા આ વાઈરસે સૌથી મોટી ખૂવારી ઈટાલીમાં મચાવી છે. અહીં 6820 લોકોએ કોરોના વાઈરસના કારણે જીવ ગુમાવ્યા છે. જ્યારે ચીનમાં 3281 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ ચેતવણી આપતા ક્હ્યું છે કે અમેરિકા ઈટાલીની જેમ મહામારીનું કેન્દ્ર બની શકે છે.
ઈટાલીના નાગરિક સુરક્ષા પ્રમુખ એંજલો બોરેલીએ મંગળવારે જણાવ્યું હતું કે દેશમાં 24 કલાકમાં 743 લોકોના મોત થયા છે. સાથે 5249 નવા કેસ સામે આવતા કુલ પોઝિટિવ કેસની સંખ્યા દેશમાં 69176 થઈ ગઈ છે. જ્યારે મૃત્યુઆંક સાત હજારની નજીક 6820 થઈ ગયો છે. બીજી તરફ કોરોના વાઈરસથી મૃત્યુઆંકની દ્રષ્ટિએ સ્પેન ત્રીજા નંબરે આવી ગયો છે. અહીં આ વાઈરસથી કુલ 2991 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વના પાંચ દેશમાં મૃત્યુઆંક એક હજારથી વધારે નોંધ્યો છે જેમાં ઈટાલી, ચીન, સ્પેન, ઈરાન અને ફ્રાન્સનો સમાવેશ થાય છે.
કોરોના વાઈરસ જ્યાંથી શરૂ થયો એવા ચીનના વુહાન શહેરને નવ સપ્તાહ લોકડાઉન રાખ્યા પછી બસ સેવા બુધવારે ચાલું કરવામાં આવી છે. કોરોનાથી સંક્રમીત 47 દર્દીને ચીન વિવિધ દેશમાંથી પરત લાવ્યું છે. સાડા પાંચ કરોડની વસ્તી ધરાવતા હુબેઈ વિસ્તાર પરથી ચીને મંગળવારે ત્રણ મહિના પછી લોકડાઉનને હટાવી દીધું હતું. હુબેઈ અને વુહાનમાં એકપણ નવો કેસ નોંધાયો નથી. ચીનમાં મૃત્યુઆંક 3281 થયો છે. ચીનમાં હાલ કોરોનાના એક્ટિવ કેસ 4287 છે. 72650 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. હોંગકોંગમાં કોરોનાના 386 કેસ નોંધાયા છે અને 4 લોકોના મોત થયા છે. તાઈવાનમાં 216 કેસ અને મકાઉમાં 26 કેસ નોંધાયા છે.