ભારતના પૂર્વીય રાજ્યો મેઘાલય અને નાગાલેન્ડની વિધાનસભા માટે સોમવાર, 27 ફેબ્રુઆરીએ યોજાયેલી ચૂંટણીમાં અનુક્રમે 74.32 ટકા અને 81.94 ટકા મતદાન થયું હતું. નાગાલેન્ડમાં આશરે 13 લાખ મતદાતાએ કુલ 183 ઉમેદવારોનું ભાવિ ઇલેટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)માં સીલ કર્યું હતું. રાજ્યની કુલ 60માંથી 59 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. મેઘાલયમાં પણ 60થી 59 બેઠકો પર મતદાન થયું હતું. રાજ્યમાં કુલ 21.6 લાખ મતદાતા હતા અને 369 ઉમેદવારો મેદાનમાં હતા. આ બંને રાજ્યો ઉપરાંત ત્રિપુરા વિધાનસભા ચૂંટણીનું પરિણામ બે માર્ચે જાહેર થશે.
નાગાલેન્ડમાં સત્તાધારી નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) 40:20 સીટ શેરિંગના આધારે ચૂંટણી લડી રહ્યા છે. નાગા પીપલ્સ ફ્રન્ટ (NPF) અને કોંગ્રેસ અનુક્રમે 22 અને 23 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે.
મેઘાલયમાં બહુકોણીય જંગ છે. રાજ્યમાં રાષ્ટ્રીય પીપલ્સ પાર્ટી (NPP), તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ, કોંગ્રેસ અને યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP) મેદાનમાં મેદાનમાં છે. હાલમાં રાજ્યમાં એનપીપીનું શાસન છે. જો NPP ફરી સત્તા પર આવશે તો મુખ્યપ્રધાન કોનરાડ સંગમાની પ્રભાવશાળી પ્રાદેશિક નેતા તરીકે ઉભરી આવવાની મહત્વાકાંક્ષાઓને મોટું પ્રોત્સાહન મળશે. મેઘાલયમાં જીત TMCની રાષ્ટ્રીય મહત્વાકાંક્ષાઓનો લાભ ઉઠાવવામાં મદદ કરશે.