ભારતના જ્વેલરી ક્ષેત્રમાં ગુજરાત નિર્ણાયક ભૂમિકા ભજવે છે. ગુજરાતમાં વિશ્વના કુલમાંથી 72 ટકા હિસ્સાનું પ્રોસેસિંગ થાય છે. દેશની હીરાની નિકાસમાં રાજ્યનો હિસ્સો 80% છે, એવું સરકારે સોમવારે જણાવ્યું હતું.
રાજ્યમાં 450થી વધુ સંગઠિત જ્વેલરી ઉત્પાદકો, આયાતકારો અને નિકાસકારો છે. સુરત, અમદાવાદ અને રાજકોટ મુખ્ય ક્લસ્ટર તરીકે ઉભરી આવ્યા છે, જેમાં સુરત હીરાના ઉત્પાદનમાં વૈશ્વિક પાવરહાઉસ છે. ગુજરાતમાં અંદાજિત 90% હીરાનું સુરત અને તેની આસપાસ પ્રોસેસિંગ થાય છે. આ ઉદ્યોગ આશરે 9 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે. હીરા ઉદ્યોગની બદલાતી ગતિશીલતાને ઓળખીને, રાજ્ય સરકાર લેબ-ગ્રોન ડાયમંડ (LGD) સેક્ટરને સક્રિયપણે પ્રોત્સાહન આપી રહી છે, એમ સરકારે જણાવ્યું હતું.
નાણાકીય વર્ષ 2022-23માં ભારતની કુલ નિકાસ USD 37.73 બિલિયન સુધી પહોંચી છે. UAE સાથે તાજેતરના ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA)થી નિકાસને વધુ વેગ મળવાની અપેક્ષા છે, જેનું લક્ષ્યાંક USD 52 બિલિયન છે.
10મીથી 12મી, જાન્યુઆરી-2024માં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રમાં મોટાપાયે રોકાણની શક્યતા અંકાઈ રહી છે. ભારતના GDPમાં 7 ટકા ફાળો જેમ્સ અને જ્વેલરી ક્ષેત્રનો છે.