બ્રિટનમાં કોરોનાવાયરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સતત ત્રીજા દિવસે ઘટતા દેશના લોકો અને સરકાર માટે આશા ઉભી થઇ છે કે રોગચાળો હવે શમી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 717 લોકોના મરણ સાથે મોતને ભેટેલા લોકોની કુલ સંખ્યા 11,329 થઇ હતી. જ્યારે ચેપ લાગેલા દર્દીઓની સંખ્યા ઘટીને 4,342 થઇ હતી. યુકેમાં 88,621થી વધુ લોકોને કોરોનાવાયરસ હોવાનું નિદાન થયું છે. આંકડાઓ મુજબ યુકેમાં હોસ્પિટલમાં સારવાર લેતા દર સાતમાંથી એકનું મોત નીપજશે.
ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબે આજે સરકારના પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યુ હતુ કે ‘અમે કોરોનાવાયરસ સામેનુ આ યુદ્ધ જીતવાની શરૂઆત કરી રહ્યા છીએ, પરંતુ હજી આપણે આગળ જવા માટે લાંબી મજલ કાપવાની છે. દેશ હજી પણ આ સંકટની ટોચ પર જઇ રહ્યો છે અને આજની પરિસ્થિતિ ‘નિર્ણાયક ક્ષણ’ સમાન છે. ’’
છેલ્લા 24 કલાકમાં ઇંગ્લેન્ડમાં 667 અને સ્કોટલેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં કુલ 50 લોકોના મરણ થયા હતા. યુ.એસ., ઇટાલી, સ્પેન અને ફ્રાન્સ બાદ બ્રિટન ગઈકાલે 10,000 લોકોનાં મોતની નોંધણી કરાવનારો વિશ્વનો પાંચમો દેશ બન્યો હતો. બકિંગહામશાયરમાં વડા પ્રધાનના અધિકૃત નિવાસ ચેકર્સ ખાતે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન રોગ મુક્ત અને સ્વસ્થ છે.
છેલ્લા છ દિવસમાં સૌ પ્રથમ વખત યુકેમાં ઓછી સંખ્યામાં ચેપ લાગનાર દર્દીઓ દાખલ થયા હતા. ઇંગ્લેન્ડમાં મોતને ભેટેલા 667 લોકોમાં 17થી 101 વર્ષની વયની લોકો હતા. તેમાંથી 40 લોકોને અન્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ નહતી. જેમાંથી સૌથી નાની વયના વ્યક્તિની વય માત્ર 37 વર્ષ હતી. આજે મહિનામાં પહેલીવાર રાજધાની લંડનમાં 158 મોતની સરખામણીએ મિડલેન્ડ્સમાં 170 લોકોના મરણ થયા હતા. નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 102, ઇસ્ટ ઇંગ્લેંડમાં 83, નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ અને યોર્કશાયરમાં 79, સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 48 અને સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 27 લોકોના મરણ થયા હતા.
સરકારના ચિફ સાયન્ટીફીક એડવાઇઝર સર પેટ્રિક વૉલેન્સ ઉમેર્યું હતું કે ‘’આ અઠવાડિયુ ‘મુશ્કેલ’ બનશે અને તેઓ અપેક્ષા રાખે છે કે મૃત્યુની દૈનિક સંખ્યામાં વધારો થશે અને છેવટે પતન શરૂ કરશે. સરકારી વૈજ્ઞાનિકો પણ અપેક્ષા રાખે છે કે દેશનો રોગચાળો ટોચ પર નહીં પહોંચે ત્યાં સુધી દરરોજ મોતની સંખ્યામાં વધારો થવાની અપેક્ષા છે. તે પહેલા સંખ્યાબંધ નવા કેસો અને હોસ્પિટલમાં દાખલ થતા લોકોની સંખ્યા ઘટશે.
નંબર ટેનના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે ‘’વડા પ્રધાને ફોરેન સેક્રટરી ડોમિનિક રાબ સાથે વાત કરી હતી. મિસ્ટર જ્હોન્સન તાત્કાલિક કામ પર પાછા ફરવાના નથી. તેઓ તેમના ડોકટરોની સલાહ અને માર્ગદર્શન મેળવશે.’’ બીજી તરફ વડા પ્રધાને ક્યારે કામ પર પાછા ફરવું જોઈએ તે બાબતે કેબિનેટમાં વિભાજન છે. કેટલાક વરિષ્ઠ પ્રધાનો ગુરૂવારે અપેક્ષિત યુકેના લોકડાઉન લંબાવવાના નિર્ણયમાં સામેલ થવા માટે દબાણ કરી રહ્યા છે. જો કે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે વડા પ્રધાને ખૂબ જલ્દીથી કામ પર પાછા ન ફરવું જોઈએ કેમ કે રોગ ફરીથી ઉથલો મારે તેનુ જોખમ છે.
વડાપ્રધાન જ્હોન્સને પોતે સ્વીકાર્યું હતું કે ઘણી વખત તેમને લાગ્યું હતું કે તેઓ જતા રહ્યા હોત. તેઓ ખૂબ જ બીમાર હતા અને તેમના ખરાબ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 48 કલાક માટે રાઉન્ડ-ધ-ક્લોક તેમની કાળજી લેવાઇ હતી.