70 અને તેથી વધુ વયના જે લોકોએ હજી સુધી કોવિડ વિરુદ્ધની રસી મેળવી નથી તેમને રસી મેળવવા માટે NHSનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. આ વયના લોકોને આ મહિનાની મધ્યમાં રસી આપી શકાશે.
નેશનલ બુકિંગ સર્વિસની વેબસાઇટ www.nhs.uk/covid-vaccination ઉપર જઇને અથવા તો અઠવાડિયાના સાતેય દિવસ સવારે 7 થી 11 વાગ્યાની વચ્ચે ફોન નંબર 119 પર મફત કોલ કરી પોતાને અનુકૂળ સ્થળ, તારીખ, સમયે રસી લેવા બુકિંગ કરાવી શકશે. જો અનકુળ સમય અને તારીખ ન મળતી હોય તો લોકો જીપીનો સંપર્ક કરી શકે છે.
ઘણા લોકોએ એપોઇન્ટમેન્ટ બુક કરાવી નથી તેમને રસી લેવા માટે ઉત્તેજન આપતા પત્રો અને ફોન મળી રહ્યા છે. જી.પી.ની ટીમોને પણ અત્યંત નબળુ આરોગ્ય ધરાવતા લોકોનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે. 2021માં જેમને પત્ર લખી ઘરમાં સુરક્ષીત થવાનું કહેવામાં આવ્યું હતું તે લોકો અને પ્રાયોરીટી ગૃપના લોકોને જીપી અને નેશનલ બુકિંગ સેવા તરફથી રસી માટે આમંત્રણ મળનાર છે.
હેલ્થ એન્ડ સોશ્યલ કેર કર્મચારીઓને પણ તેમના એમ્પ્લોયરને રસી માટે વાત કરવા જણાવાયું છે.
NHS ઇંગ્લેન્ડના પ્રાયમરી કેરના મેડિકલ ડાયરેક્ટર અને જી.પી. ડો. નિક્કી કાનાણીએ કહ્યું હતું કે “જો તમારી ઉંમર 70 કે વધુ વયની હોય અને રસી ન મેળવી હોય તો આગળ આવો અને જલ્દીથી એપોઇન્ટમેન્ટ બનાવી દેશભરના 1,500 કેન્દ્રોમાંથી એક પર રસી મેળવી શકો છો. આ રસી સલામત અને સરળ છે. તે તમને જ નહિં તમારી આસપાસના લોકોને પણ વાયરસ સામે નિર્ણાયક સંરક્ષણ આપશે.”
હેલ્થ એન્ડ સોશ્યલ કેર મિનીસ્ટર મેટ હેનકોકે કહ્યું હતું કે “એનએચએસ, વોલંટીયર્સ અને સ્થાનિક અધિકારીઓના વિશાળ પ્રયત્નોને કારણે અમે અત્યાર સુધીમાં 12 મિલિયન સંવેદનશીલ લોકોને રસી આપી છે. 70થી વધુ વયના દર દસમાં 9 લોકોનો સમાવેશ થાય છે. જો તમે 70 વર્ષથી ઉપરના દાદા-દાદી, સ્વજનો અને મિત્રોને ઓળખતા હો તો વહેલી તકે તેમને એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે પ્રોત્સાહિત કરો, જેથી તેઓ આ ભયાનક વાયરસથી સુરક્ષિત થઈ શકે.’’