દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લાના દાંડી બીચ પર રવિવારે એક મહિલા અને તેના બે પુત્રો સહિત એક પરિવારના ચાર સભ્યો દરિયામાં તણાઈ ગયા હતા. દરિયામાં તણાયેલા અન્ય ત્રણને બચાવી લેવામાં આવ્યા હતાં. આ પરિવાર પિકનિક માણવા માટે બીચ પર આવ્યો હતો.
દરિયામાં ગુમ થયેલા લોકોની ઓળખ સુશીલા ગોપાલસિંહ રાજપૂત (42), તેના પુત્રો દક્ષ (11) અને યુવરાજ (17) અને તેમની બહેનની પુત્રી દુર્ગા (17) તરીકે થઈ હતી. ડેપ્યુટી કલેક્ટર જનમ ઠાકોરે જણાવ્યું હતું કે “ત્રણ લોકોને હોમગાર્ડ્સ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. જોકે અન્ય ચારને બચાવી શકાયા ન હતા કારણ કે મદદ તેમના સુધી પહોંચે તે પહેલા તેઓ દરિયામાં વહી ગયા હતા.”સ્થાનિક ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
રાજપૂત પરિવારના એક સંબંધીએ પત્રકારોને જણાવ્યું કે તેઓ મૂળ રાજસ્થાનના ભીલવાડાના છે પરંતુ નવસારી જિલ્લાના ખડસુપા ગામમાં સ્થાયી થયા છે. રાજપૂત પરિવારના સંબંધી પારસમલ કુમાવતે જણાવ્યું હતું કે “સવારે પરિવાર નવસારી બીચ પર પિકનિક કરી રહ્યો હતો ત્યારે ચાર સભ્યો અચાનક દરિયામાં તણાયા હતા. ગોપાલસિંહ (સુશીલા રાજપૂતના પતિ)એ તેમને બચાવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો. તેઓ નિષ્ફળ જતાં તેણે એલાર્મ વગાડ્યું હતું, જેના પગલે હોમગાર્ડ્સ દોડી આવ્યા હતાં. હોમગાર્ડે પણ તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા પરંતુ નિષ્ફળ ગયા.”
ફાયર બ્રિગેડ અને સ્થાનિક તરવૈયાઓએ બોટનો ઉપયોગ કરીને ગુમ થયેલા લોકોની શોધખોળ હાથ ધરી હતી.
નવસારીના જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં.
રવિવારના કારણે દાંડી કિનારે લોકોનો ભારે ધસારો રહ્યો હતો. સ્થાનિક લોકોએ માંગણી કરી હતી કે વહીવટીતંત્રે લોકોને દરિયામાં ન જવાની ચેતવણી આપતા સાઈનબોર્ડ લગાવવા જોઈએ. દાંડી મહાત્મા ગાંધીની મીઠાના સત્યાગ્રહ માટે જાણીતું છું. દાંડી તેના ઐતિહાસિક મહત્વને કારણે દર વર્ષે ઘણા પ્રવાસીઓને આકર્ષે છે.