સુરતમાં શનિવારે એક જ પરિવારના સાત સભ્યો સામૂહિક આત્મહત્યા કરી લેતા શહેરમાં ચકચાર મચી ગઇ હતી. શહેરના પાલનપુર પાટિયા વિસ્તારની આ ઘટનામાં તમામ સાત લોકોના મોત થયા હતા. આ પરિવારના મુખ્ય સભ્ય મનીષ સોલંકીએ ગળે ફાંસો ખાઇને અને અન્ય સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી હતી, તેમાં તેની પત્ની, માતા-પિતા, એક પુત્ર અને બે પુત્રીઓનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, શનિવારે સુરતના અડાજણ વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની હતી.
પાલનપુર પાટિયાસ્થિત સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં મનિષ સોલંકીએ પહેલા તેની પત્ની, માતા, પિતા અને ત્રણ બાળકો સહિત પરિવારના સભ્યોને ઝેર આપ્યું હતું અને પછી તેણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં અડાજણ પોલીસ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃત્યુનું કારણ જાણવા માટે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં મોકલ્યા હતા. પોલીસ અધિકારીઓએ પરિવાર અને તેમની આર્થિક સ્થિતિ વિશે વધુ માહિતી મેળવવા માટે પડોશીઓ અને વિસ્તારના અન્ય લોકોની પૂછપરછ શરૂ કરી હતી. આ સામૂહિક આત્મહત્યા પાછળનો હેતુ હજુ સુધી જાહેર થયો નથી. જોકે, પોલીસ આર્થિક સમસ્યા અને પારિવારિક વિવાદ સહિતના તમામ બાબતોની ચકાસણી કરી રહી છે.