નેપાળની યતિ એરલાઇન્સનું કાઠમંડુથી પોખરા જઈ રહેલું વિમાન ગત રવિવારે સવારે તૂટી પડતાં પાંચ ભારતીયો સહિત 72 લોકોના મોત થયા હતા. વિમાન લેન્ડિંગ વખતે તૂટી પડ્યું હતું અને તેમાં આગ લાગી હતી.
પશ્ચિમ નેપાળમાં સ્થિત પોખરાના જૂના અને નવા એરપોર્ટ વચ્ચે ક્રેશ થયેલા વિમાનમાં 68 મુસાફરો અને ચાર ક્રૂ મેમ્બર સવાર હતા. યેતી એરલાઈન્સનું ટ્વીન એન્જિન એટીઆર 72 વિમાન નેપાળની રાજધાની કાઠમંડુથી રવાના થયું હતું.
યતિ એરલાઈન્સના પ્રવક્તા સુદર્શન બરતૌલાએ જણાવ્યું હતું કે, વિમાનમાં 2 બાળકો સહિત 10 વિદેશી નાગરિકો સવાર હતા. તેમાં 53 નેપાળી, 5 ભારતીય, 4 રશિયન, એક આઇરિશ, 2 કોરિયન, 1 આર્જેન્ટિનિયન અને એક ફ્રેન્ચ નાગરિક સવાર હતા
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી.સિવિલ એવિએશન ઓથોરિટી ઓફ નેપાળ (CAAN)ના જણાવ્યા અનુસાર, વિમાને કાઠમંડુના ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10:33 વાગ્યે ઉડાન ભરી હતી. વિમાન પોખરા એરપોર્ટ પર લેન્ડિંગની તૈયારીમાં હતું ત્યારે તે સેટી નદીના કિનારે ખાઈમાં તૂટી પડ્યું હતું. ટેક-ઓફની લગભગ 20 મિનિટ બાદ આ દુર્ઘટના બની હતી, જે સૂચવે છે કે એરક્રાફ્ટ નીચે ઉતરી રહ્યું હોઈ શકે છે. બંને શહેરો વચ્ચે ફ્લાઇટનો સમય 25 મિનિટનો છે.
આ ઘટના અંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિન સહિતના મહાનુભાવોએ શોક વ્યક્ત કર્યો હતો. ભારતના સિવિલ એવિયેશન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વિમાન દુર્ઘટનામાં થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો.