ગુજરાતના 2002ના રમખાણો દરમિયાન નરોડા ગામ હત્યાકાંડ કેસમાં અમદાવાદની સ્પેશ્યલ કોર્ટે ગુરુવારે ગુજરાતના ભૂતપૂર્વ પ્રધાન અને ભાજપના નેતા માયા કોડનાની અને બજરંગ દળના બાબુ બજરંગી સહિત 68 આરોપીઓને નિર્દોષ કર્યા હતા. નરોડા ગામ હત્યાકાંડ દરમિયાન 11 મુસ્લિમોના મોત થયા હતા. તેમને ઘરોને આગ ચાંપવામાં આવી હતી.
ગૃહ પ્રધાન અમિત શાહ 2017માં માયા કોડનાની માટે બચાવપક્ષના સાક્ષી તરીકે કોર્ટમાં હાજર થયા હતા. માયા કોડનાની 2002માં તત્કાલિન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકારમાં પ્રધાન હતા. ગોધરામાં સાબરમતી ટ્રેનને સળગાવી દેવામાં આવ્યા બાદ આ કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા.
આરોપીઓના વકીલે કોર્ટની બહાર પત્રકારોને જણાવ્યું હતું કે તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. અમે ચુકાદાની નકલની રાહ જોઈ રહ્યા છીએ. ફરિયાદ પક્ષના વકીલ શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, આ ચુકાદાને હવે હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.
નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશ્યલ SIT કોર્ટએ 21 વર્ષ પછી આ ચુકાદો આપ્યો છે. આ કેસમાં પોલીસે તબક્કાવાર 86 લોકોની ધરપકડ કરી હતી. જેમાંથી 68 લોકો હાલમાં જીવિત છે. નિર્દોષ જાહેર થનારાઓમાં બાબુ બજરંગી અને માયા કોડનાનીનો પણ સમાવેશ થાય છે. ચુકાદો આવતા જ આરોપીઓના સમર્થકોએ કોર્ટની બહાર ફટાકડા ફોડી ઉજવણી કરી હતી અને જયશ્રી રામના નારા પોકાર્યા હતા. આ કેસનો ચુકાદો આવવાનો હોવાના પગલે અમદાવાદની ભદ્ર કોર્ટની બહાર અને નરોડા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. આ કેસમાં 187 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા.
વર્ષ 2002માં ગોધરાકાંડના પડઘા અમદાવાદના નરોડા ગામમાં પણ પડ્યા હતા અને સવારે 10 વાગ્યાની આસપાસ પથ્થરમારો થયો હતો. તે પછી બપોરે 12 વાગ્યાની આસપાસ આગચંપીના બનાવો બન્યા હતા અને રાત થતા સુધીમાં તો તોફાનો ફાટી નીકળ્યા હતા. આ તોફાનોમાં 4 મહિલાઓ સહિત 11 લોકોની હત્યા કરવામાં આવી હતી.