પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કોંગ્રેશનલ રિસર્ચ સર્વિસ (CRS)ના તાજેતરના કોંગ્રેશનલ રિપોર્ટ અનુસાર નાણાકીય વર્ષ 2022માં 65,960 ભારતીયો સત્તાવાર રીતે યુએસ નાગરિક બન્યાં હતાં. આની સાથે ભારત અમેરિકાના નવા નાગરિકો માટે બીજા ક્રમે સૌથી મોટા સ્ત્રોત દેશ તરીકે ઉભરી આવ્યું છે. હાલમાં મેક્સિકો નવા અમેરિકન નાગરિકો માટે અગ્રણી સ્ત્રોત દેશ છે.

અમેરિકન કોમ્યુનિટી સરવે પ્રમાણે અમેરિકાની 34 કરોડની વસતીમાં લગભગ 14 ટકા લોકો વિદેશમાં જન્મેલા છે. તેમાંથી પણ 2.45 કરોડ લોકો, એટલે કે લગભગ 53 ટકાએ કહ્યું કે તેઓ નેચરલાઈઝ્ડ સિટિઝન છે. એટલે કે તેમનો જન્મ વિદેશમાં થયો હતો, પરંતુ પછી તેમણે અમેરિકન સિટિઝનશિપ અપનાવી હતી.

15મી એપ્રિલે જાહેર થયેલા રિપોર્ટ અનુસાર 969,380 લોકો અમેરિકન નાગરિક બન્યા હતા. મેક્સિકોમાં જન્મેલા લોકો અમેરિકાના નાગરિક બનવામાં સૌથી આગળ છે. ત્યાર પછી ભારત, ફિલિપાઈન્સ, ક્યુબા અને ડોમિનિકન રિપબ્લિકના લોકો અમેરિકન સિટિઝનશિપ અપનાવી રહ્યા છે. નવા આંકડા પરથી જોઈ શકાય છે કે 2022માં એક વર્ષમાં 128,878 મેક્સિકન લોકો અમેરિકાના સિટિઝન બન્યા હતા. ફિલિપાઈન્સના 53,000 લોકો, ક્યુબાના લગભગ 47,000, ડોમિનિકન રિપબ્લિકના 34,500, વિયેતનામના 33,250 અને ચીનના 27 હજાર લોકોએ અમેરિકન સિટિઝનશિપના શપથ લીધા હતાં.

2023નો સીઆરએસ જણાવે છે કે અમેરિકામાં વિદેશમાં જન્મેલા જે લોકો છે તેમાંથી 28.31 લાખ ભારતીયો છે. મેક્સિકોના લોકો તેના કરતા આગળ છે અને 1.06 કરોડ લોકોનો જન્મ મેક્સિકોમાં થયો હતો જેઓ અત્યારે અમેરિકામાં વસે છે. ત્યાર પછી ચીનના 22.25 લાખ લોકો અમેરિકાના નાગરિક છે. જોકે, ભારતમાં જન્મેલા લોકોને સહેલાઈથી અમેરિકન સિટિઝનશિપ મળી જતી નથી. તેમણે ઘણા વર્ષો કે દાયકા સુધી રાહ જોવી પડે છે અને ઘણાને તો લાંબો સમય રાહ જોયા પછી પણ અમેરિકાનું નાગરિકત્વ મળતું નથી. ભારતમાં જન્મેલા અને અમેરિકામાં રહેતા હોય તેવા 42 ટકા લોકો હાલમાં અમેરિકન સિટિઝન બનવાને લાયક નથી. 2023ના આંકડા પ્રમાણે ભારતમાં જન્મેલા 2.90 લાખ લોકો જેઓ ગ્રીન કાર્ડ અથવા લીગલ પર્મેનન્ટ રેસિડન્સી એટલે કે LPR ધરાવતા હતા, તેઓ અમેરિકન નાગરિક બનવાને પાત્ર છે.

નાણાકીય વર્ષ 2023ના આંકડા જોવામાં આવે તો અમેરિકન સિટિઝન બનવા માટે 4.08 લાખ પેન્ડિંગ અરજીઓ હતી. નાણાકીય વર્ષ 2022માં આ અરજીઓની સંખ્યા 5.50 લાખ હતી અને 2021ના અંતમાં તેની સંખ્યા 8.40 લાખ હતી. 2020માં કુલ 9.43 લાખથી વધારે અરજીઓ પેન્ડિંગ હતી. એટલે કે છેલ્લા ચાર વર્ષમાં અરજીઓનું પ્રોસેસિંગ અગાઉ કરતા વધુ ઝડપી બન્યું છે.

LEAVE A REPLY