ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)એ મંગળવાર, 2મેના રોજ ધોરણ 12 સાયન્સનું રિઝલ્ટ જાહેર કર્યું હતું. 2023ના વર્ષમાં કુલ 1,10,042 નિયમિત વિદ્યાર્થીઓએ HSC વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપી હતી, જેમાંથી 72,166 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગણિત વિષય સાથેના A જૂથના વિદ્યાર્થીઓનું પરિણામ 72.27% રહ્યું હતું, જ્યારે જીવવિજ્ઞાન સાથેના B જૂથના વિદ્યાર્થીઓનું પરિણામ 61.71% હતું. એકંદરે 65.54 ટકા રિઝલ્ટ આવ્યું હતું.
મોરબીનું જિલ્લામાં 83.22 ટકા, રાજકોટ જિલ્લામાં 82.49 ટકા, સુરતમાં 71.15 ટકા, અમદાવાદમાં 69.92 ટકા અને વડોદરા જિલ્લામાં 65.54 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા.છોકરાઓએ આ વખતે છોકરીઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું. છોકરાઓની પાસ થવાની ટકાવારી છોકરીઓ કરતાં થોડી વધારે રહી હતી. છોકરીઓની પાસ થવાની ટકાવારી 64.66% અને છોકરાઓની પાસ થવાની ટકાવારી 66.32% રહી હતી.
આ વર્ષે કુલ 27 શાળાઓએ 100 ટકા પરિણામ નોંધાવ્યું હતું. GSEBએ જણાવ્યું હતું કે 10 ટકા અથવા તેનાથી ઓછી પાસ ટકાવારી મેળવનારી શાળાઓની સંખ્યા પણ વધીને 76 થઈ ગઈ હતી, જે 2022માં 61 હતી.