વિશ્વના દેશોમાં 24 કલાકમાં કોરોના વાઇરસના કેસો સામે આવી રહ્યા છે તેમાં ભારત ટોચના સૃથાને પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં વધુ 63623 કેસો સામે આવ્યા છે જ્યારે આ જ સમયગાળા દરમિયાન વધુ 995 લોકોએ જીવ ગૂમાવ્યો છે. કુલ આંકડા પર નજર કરીએ તો દેશમાં હવે કોરોનાના કેસોનો કુલ આંકડો 22,09,501ને પાર કરી ગયો છે.
બીજી તરફ 15 લાખથી વધુ લોકોને સાજા કરી લેવાયા છે. જોકે માર્યા ગયેલાનો આંકડો પણ વધી રહ્યો છે અને 44379ને પાર પહોંચી ગયો છે. બીજી તરફ દેશમાં કોરોનાના ટેસ્ટની ગતી પણ સરકારે વધારી દીધી છે, પહેલી વખત એક જ દિવસમાં સાત લાખ લોકોનો કોરોના ટેસ્ટ થયો હતો.
ટેસ્ટની ગતી વધારી દેવામાં આવી હોવાથી કોરોનાના કેસોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. શનિવારે રેકોર્ડબ્રેક 7,19,364 લોકોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. સરકારના આંકડા મુજબ દેશમાં કોરોના કેસો તો વધી રહ્યા છે પણ સામેપક્ષે સાજા થવાની સંખ્યા પણ બહુ જ ઝડપથી વધી રહી છે.
છેલ્લા 24 કલાકમા જ 55931 લોકોને સાજા કરી લેવાયા હતા જ્યારે કુલ આંકડો 15,25,215 નોંધાયો છે. જે સાથે જ રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે, સરકારના જણાવ્યા મુજબ દેશમાં રિકવરી રેટ હવે 68.78 ટકાએ પહોંચી ગયો છે. રિકવરી રેટ વધી રહ્યો છે તેની સામે મૃત્યુદર ઘટી રહ્યો છે.
પ્રાપ્ત આંકડા મુજબ મૃત્યુ દર ઘટીને 2.01 પર આવી ગયો છે જે અગાઉ ત્રણ ટકા કરતા પણ વધુ હતો. સાથે જ રિકવર થઇ રહેલાની સંખ્યા હવે એક્ટિવ કેસો કરતા 2.36 ગણી વધુ છે. મોટા ભાગના દર્દીઓ હાલ હોમ આઇસોલેશનમાં આૃથવા તો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
બીજી તરફ ભાજપના દિલ્હીના સાંસદ મનોજ તિવારીએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે ગૃહ પ્રધાન અમિત શાહનો નવો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જોકે આ દાવા જુઠા સાબિત થયા હતા કેમ કે અમિત શાહનો પહેલો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમનો કોઇ બીજો ટેસ્ટ નહોતો કરાયો અને હાલ તેઓની સારવાર ચાલી રહી છે અને તેમનું સ્વાસ્થ્ય સારૂ છે જે અંગેની જાણકારી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા આપવામાં આવી હતી.
દરમિયાન ઉત્તર પ્રદેશના કાયદા પ્રધાન બ્રજેશ પાઠકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે બાદ તેઓ સારવાર હેઠળ છે.મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ(સીઆરપીએફ)60 વધુ જવાનો કોરોનામાં સપડાતા આ દળમાં કુલ સંક્રમિતોની સંખ્યા 245 પર પહોંચી હતી. કેસની સંખ્યા એટલા માટે વધી હતી કે કેટલાક જવાનો મહારાષ્ટ્ર અને તામિલનાડૂથી ફરજ પર પરત ફર્યા હતા.