ભારતીય સત્તાવાળાઓએ છેતરપિંડીથી કંબોડિયા લઈ જવામાં આવેલા અને સાયબર ફ્રોડમાં સંડોવવામાં આવેલા 60 ભારતીયોને બચાવ્યા છે. ભારતીય દૂતાવાસે જાહેરાત કરી હતી કે તેઓ બચાવાયેલા ભારતીયોને પરત લાવવા માટે કંબોડિયન સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.
કંબોડિયામાં લગભગ 150 ભારતીયોએ તેમના હેન્ડલર્સ પાસેથી તેમના પાસપોર્ટ પરત મેળવવા માટે વિરોધી દેખાવ કર્યા પછી આ સમગ્ર ઘટના બહાર આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, વિશાખાપટ્ટનમ અને નજીકના વિસ્તારોના 150 લોકો કંબોડિયામાં એક વર્ષથી અટવાયેલા છે અને તેમને સાયબર ક્રાઇમ અને પોન્ઝી ફ્રોડ કરવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ લોકોને કથિત રીતે સિંગાપોરમાં ડેટા એન્ટ્રી ઓપરેટર્સ જેવી નોકરીની લાલચ આપવામાં આવી હતી, પરંતુ તેમને કંબોડિયા લઈ જવામાં આવ્યા હતા અને ચાઈનીઝ હેન્ડલર્સ દ્વારા સાયબર સ્કેમ કરવા દબાણ કરવામાં આવ્યું હતું.
વિશાખાપટ્ટનમ પોલીસ કમિશનર રવિશંકર અય્યાનારના જણાવ્યા અનુસાર, ભારતમાંથી લગભગ 5,000 લોકો કંબોડિયામાં “અમાનવીય” સ્થિતિમાં ફસાયેલા છે. “તે ખૂબ જ ચિંતાજનક છે કે 5,000 ભારતીયો ત્યાં છેલ્લા બે વર્ષથી અમાનવીય સ્થિતિમાં કામ કરી રહ્યા છે. તેઓ ઘણા દિવસો સુધી ભૂખ્યા રહે છે. જેઓ નાસી છૂટવામાં સફળ થયા છે અને મદદ માટે અમારો સંપર્ક કર્યો તેવા લોકોએ આ કબુલાત કરી છે.
ભારતમાં નોકરીની તકો શોધી રહેલા યુવાનોની નોકરીને લાલચ આપીને એજન્ટો લઈ જાય છે. તેઓને બેંગકોક અથવા સિંગાપોર થઈને કંબોડિયા મોકલવામાં આવે છે. બેંગકોક અથવા સિંગાપોરના એરપોર્ટ પર કંબોડિયન એજન્ટો કબજો કરે છે.