નેપાળમાં માઉન્ટ એવરેસ્ટ નજીક મંગળવારે હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચ મેક્સિકન સહિત છ લોકોના મોત થયા હતા. બચાવકર્તાઓએ તમામ છ મૃતદેહો શોધી કાઢ્યા હતાં. પાંચ મેક્સીકન નાગરિકોને લઈને જતું ખાનગી હેલિકોપ્ટર ટેકઓફના થોડા સમય પછી પર્વતીય સોલુખુમ્બુ જિલ્લામાં લામજુરા ખાતે ક્રેશ થયું હતું, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
પોલીસે જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશન દરમિયાન હેલીકોપ્ટરનો કાટમાળ મળ્યો હતો. આ સાથે છ મૃતદેહો પણ શોધી કાઢવામાં આવ્યાં છે. હેલીકોપ્ટર લિખુ પીકે ગ્રામ વિસ્તાર અને દુધકુંડા નગર પાલિકા-2 ની સીમા પાસેથી મળી આવ્યુ હતું. મનાંગ એરનું NA-MV હેલિકોપ્ટરે કાઠમંડુ માટે સવારે 10.04 વાગ્યે સુરકે એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી અને લગભગ 10.12 વાગ્યે તેનો સંપર્ક તૂટી ગયો હતો.
એવું માનવામાં આવે છે કે હેલિકોપ્ટર પહાડીની ટોચ પર એક ઝાડ સાથે અથડાયું હતું, જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. ગુમ થયેલા હેલિકોપ્ટરને શોધવા માટે બે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા, પરંતુ ખરાબ હવામાનને કારણે તેમને પરત ફરવું પડ્યું હતું. સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું કે હેલિકોપ્ટર લમજુરા વિસ્તારમાં ચિહાનદામાં ક્રેશ થયું ત્યારે તેમણે જોરદાર વિસ્ફોટ સાંભળ્યો હતો.