ચીનના ગાંસુ અને કિંઘાઈ પ્રાંતોમાં સોમવારે મધ્યરાત્રી પહેલા આવેલા 6.2ના શક્તિશાળી ભૂકંપના કારણે 118થી વધુ લોકોના મોત થયા હતા અને 500થી વધુ લોકો ઘાયલ થયા હતાં. ઉત્તર-પશ્ચિમ ચીનના પર્વતીય પ્રદેશમાં 6.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, એમ મંગળવારે અધિકારીઓએ જણાવ્યું હતું.
સત્તાવાર શીન્હુઆ ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે, સોમવારે મધ્યરાત્રિ પહેલા આવેલા ભૂકંપમાં ગાંસુ પ્રાંતમાં 100થી વધુ લોકો અને પડોશી પ્રાંત કિંઘાઈમાં અન્ય 11 લોકોના મોત થયા હતા.
ભૂકંપનું કેન્દ્ર ગાંસુની જિશિશાન કાઉન્ટીમાં જમીનથી 10 કિમી નીચે હતું, જે કિંઘાઈની સરહદથી લગભગ 5 કિલોમીટર (3 માઈલ) દૂર હતું. અમેરિકાના જીઓલોજિકલ સર્વેએ ભૂકંપની તીવ્રતા 5.9 દર્શાવી છે
ચીની મીડિયાના જણાવ્યા અનુસાર ભૂકંપના કારણે પાણી અને પાવર લાઈનોને મોટું નુકસાન થયું હતું. આ ઉપરાંત વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહાર પણ ખોરવાઈ ગયો હતો.ચીનના પ્રેસિડન્ટ શી જિનપિંગે બચાવ ટુકડીઓને ભૂકંપથી ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે તમામ જરૂરી પ્રયાસો કરવાની તાકીદ કરી હતી.