ભારતમાં ટૂંકસમયમાં 5G ટેલિકોમ સર્વિસનો પ્રારંભ થશે. ભારત સરકારે 5G ટેલિકોમ સર્વિસ માટે મેગા સ્પેક્ટ્રમ ઓક્શન કરવાની દરખાસ્તને ગુરુવારે મંજૂરી આપી છે. સરકાર 20 વર્ષના સમયગાળા માટે 72 ગીગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમની જુલાઈ 2022ના અંતમાં હરાજી કરશે. રિઝર્વ પ્રાઈસના આધારે 5G સ્પેક્ટ્રમ હરાજીથી સરકારને રૂ. 4.5 લાખ કરોડની કમાણીનો અંદાજ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ યોજાયેલી કેબિનેટની બેઠકમાં સ્પેક્ટ્રમની હરાજી માટે મંજૂરી અપાઈ હતી.
દેશમાં હજુ સુધી 5G સર્વિસ શરૂ કરવાની તારીખ નક્કી નથી, પરંતુ સરકારના નિયમો મુજબ, જે કંપની સ્પેક્ટ્રમ ખરીદશે તેને 6 મહિનાથી 1 વર્ષની અંદર આ સર્વિસ શરૂ કરવી પડશે. ઘણી ટેલિકોમ કંપનીઓએ આ વિશેની તૈયારીઓ પણ પૂરી કરી લીધી છે. તેઓ સ્પેક્ટ્રમ ખરીદ્યાના 3થી 6 મહિનાની અંદર સર્વિસ શરૂ કરી શકે એમ છે.
5G નેટવર્કમાં 20 Gbps સુધી ડેટા ડાઉનલોડ સુધીની સ્પીડ મળી શકે છે. ભારતમાં 5જી નેટવર્કના ટેસ્ટિંગ દરમિયાન ડેટા ડાઉનલોડની મહત્તમ સ્પીડ 3.7 Gbps સુધી પહોંચી ગઈ છે. ત્રણેય કંપનીઓ એરટેલ, વોડાફોન આઈડિયા અને જીઓએ 5G નેટવર્ક ટ્રાયલમાં 3Gbps સુધીના ડેટા ડાઉનલોડનો સ્પીડ ટેસ્ટ કર્યો છે. 5G ઈન્ટરનેટ સેવાના શરૂ થતાં જ ભારતમાં ઘણાં પરિવર્તન આવવાની શક્યતા છે. એનાથી લોકોનાં કામમાં સરળતા તો આવશે જ અને એની સાથે સાથે મનોરંજનક્ષેત્રે પણ ઘણાં પરિવર્તનો આવવાની શક્યતા છે. 5G માટે કામ કરતી કંપની એરિક્સનનું માનવું છે કે 5 વર્ષમાં ભારતમાં 50 કરોડથી વધારે 5G ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા થઈ જશે.