યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS)ના તાજેતરમાં જારી કરાયેલા 2023ના વાર્ષિક પ્રગતિ અહેવાલ મુજબ 2023માં ભારતના આશરે 59,000 લોકો કાયદેસર રીતે અમેરિકાના નાગરિકો બન્યાં હતા. આમ ભારતે અમેરિકામાં નવા નાગરિકોના સ્રોત તરીકે મેક્સિકો પછી બીજું સ્થાન હાંસલ કર્યું હતું.
સત્તાવાર અહેવાલ મુજબ 30 સપ્ટેમ્બર, 2023એ સમાપ્ત થયેલા નાણાકીય વર્ષ 2023 દરમિયાન લગભગ 8.7 લાખ વિદેશી નાગરિકો યુએસ નાગરિક બન્યાં હતાં. આમાં મેક્સિકનની સંખ્યા 1.1 લાખ (કુલ સંખ્યાના 12.7%) અને ભારતીયોની સંખ્યા 59,100 (6.7%) રહી હતી. વધુમાં અમેરિકામાં નવા નોંધાયેલા નાગરિકોમાં 44,800 (5.1 ટકા) ફિલિપાઈન્સના અને 35,200 (4 ટકા) ડોમિનિકન રિપબ્લિકના હતાં.
નેચરલાઈઝેશન (યુ.એસ. નાગરિકત્વ) માટે પાત્ર બનવા માટે અરજદારે ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA)માં દર્શાવેલ અમુક પાત્રતાની જરૂરિયાતોને પૂર્ણ કરવી પડે છે. આ આવશ્યકતાઓમાં સામાન્ય રીતે ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે કાયદેસર કાયમી નિવાસી (LPR) હોવાનો સમાવેશ થાય છે. અન્ય વિશેષ નેચરલાઈઝેશન જોગવાઈઓ પણ છે.
નાણાકીય વર્ષ 2023માં યુએસ નાગરિકત્વ મેળવ્યું હતું, તેમાંથી મોટાભાગના વિદેશીઓ ઓછામાં ઓછા 5 વર્ષ માટે એલપીઆર હોવાના આધારે નેચરલાઈઝેશન માટે પાત્ર બન્યાં હતાં. તેમાં એવા અરજદારો પણ છે કે જેઓ ઓછામાં ઓછા 3 વર્ષ માટે એલપીઆર બનવા માટે પાત્ર હતાં અને અમેરિકન નાગરિક સાથે લગ્ન કર્યા હતાં.
અહેવાલમાં ઉમેરવામાં આવ્યું છે કે સામાન્ય રીતે બિન-નાગરિકે નેચરલાઈઝેશન માટે પાત્ર બનવા માટે ઓછામાં ઓછા 5 વર્ષ કાયદેસરના કાયમી નિવાસી તરીકે અમેરિકામાં રહેવું પડે છે. યુએસ નાગરિકના જીવનસાથીએ કાયદેસરના કાયમી નિવાસી તરીકે ઓછામાં ઓછા 3 વર્ષ ગાળવા પડે છે. 2023માં નાગરિક બનેલા તમામ લોકોએ સરેરાશ ધોરણે સાત વર્ષનો એલપીઆર પીરિયડ પૂરો કર્યો હતો.