સુદાનમાં અર્ધ લશ્કરી દળો અને સૈન્ય વચ્ચે ચાલી રહેલ આંતરિક યુદ્ધના લીધે સમગ્ર વિશ્વમાંથી ત્યાં વસતા લોકો ફસાયા છે, જેમાં ભારતના ફસાયેલ નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ઓપરેશન “કાવેરી” હાથ ધરવામાં આવ્યું છે.
સુદાનમાંથી ગુજરાતના વતનીઓને પરત વતનમાં લાવવા માટે રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ગુજરાતના ૫૬ નાગરિકોને ખાસ ફલાઇટ-C17 દ્વારા જેદ્દાહથી મુંબઈ ખાતે ઇવૅક્યુએશન કરવામાં આવ્યું છે.
આ તમામ ૫૬ ગુજરાતીઓને રાજ્યના અધિકારીઓ દ્વારા મુંબઇ ખાતે આવકારવામાં આવ્યાં હતા. જે પૈકી ૧૨ લોકોએ પોતાની આગવી સુવિધા કરી હતી, જ્યારે બાકીના ૪૪ ગુજરાતીઓને વહેલા પરોઢિયે સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે વોલ્વો બસ દ્વારા લાવવામા આવ્યાં હતા. ત્યારબાદ રાજ્ય સરકારે રાજકોટ જીલ્લા ખાતે ૩૯, ગાંધીનગર જીલ્લા ખાતે ૯, આણંદ જીલ્લા ખાતે ૩ તથા વડોદરા જીલ્લા ખાતે પાંચ નાગરિકોને પોતાના વતનમાં પરત મોકલવાની વ્યવસ્થા કરી હતી.
આ તમામનું અમદાવાદ ખાતે રાજ્યના ગૃહ અને એન.આર.જી રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ સ્વાગત કર્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાને જણાવ્યું હતું કે, ઓપરેશન ‘કાવેરી’ અંતર્ગત ગુજરાત સરકાર સતત વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં રહીને તમામ ગુજરાતીઓની યાદી બનાવીને વિદેશ મંત્રાલયને મોકલી આપી છે. જો હજુ કોઈપણ ગુજરાતીઓ આવવાના બાકી હશે તેમને પણ સલામત ગુજરાતમાં લાવવાની કામગીરી કરાશે અને ફ્લાઇટ કે અન્ય ટ્રાન્સપોર્ટેશન દ્વારા તેમના ઘર સુધી તેઓને પહોંચાડાશે.