કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હનુમાન જયંતિના પ્રસંગે ગુરુવારે બોટાદના સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીની 54 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અહીં તેમણે પરિવાર સાથે હનુમાન દાદાના દર્શન કર્યા હતા. જ્યાં કિંગ ઓફ સાળંગપુરની 54 ફૂટ ઉંચી મૂર્તિના દર્શન કર્યા હતા અને હનુમાન દાદાની પૂજા પણ કરી હતી
આ મૂર્તિ પંચધાતુમાંથી બનાવવામાં આવી છે અને 30 હજાર કિલો વજન ધરાવે છે. મૂર્તિની પૂજાવિધિ કર્યા બાદ રાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. જે બાદ 6 એપ્રિલના રોજ હનુમાન જયંતીના પર્વ પર તેમની મંગળા આરતી કર્યા બાદ શણગાર આરતી કરવામાં આવી હતી.
હનુમાનજીની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામમાં બનાવવામાં આવી છે. દાદાની મૂર્તિની ડિઝાઈનનું માર્ગદર્શન કુંડળજ્ઞાનજીવનદાસ સ્વામીએ આપ્યું હતું. 13 ફૂટના બેઝ પર બનાવવામાં આવેલી આ મૂર્તિનું મુખ દક્ષિણ દિશા તરફ રાખવામાં આવ્યું છે. સાત કિમી દૂરથી આ મૂર્તિ દેખાશે. આ પ્રોજેક્ટ 1.35 લાખ સ્ક્વેર ફૂટમાં આકાર પામ્યો છે. મૂળ રાજસ્થાનના નરેશ કુમાવતે આ મૂર્તિ બનાવી છે.
હનુમાન દાદાની આરતી કર્યા પછી અમિત શાહે ભવ્ય ભોજનાલયનું લોકાર્પણ કર્યું હતું. આ લગભગ 7 વિઘા જમીનમાં પથરાયેલું છે. અહીં હજારો ભક્તો એકસાથે બેસીને પ્રસાદ લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 100 વર્ષથી વધુના સમયથી સાળંગપુરમાં ભક્તોને ભોજનની પ્રસાદી મળતી રહે છે. અહીં મેગા કિચન પણ છે. તેમાં 15થી 20 મિનિટની અંદર હજારો કિલો શાકભાજી, દાળ-ભાત બનાવવામાં આવે છે.