ગાંધીનગર નજીક આવેલા ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક સિટી (ગિફ્ટ સિટી)માં દારુ પીવાની છૂટ આપવામાં આવ્યાં પછી માત્ર પાંચ દિવસમાં જ રૂ. 500 કરોડનો પ્રોપર્ટી સોદા થયા હતા.સરકારે ગિફ્ટ સિટીમાં કાર્યરત કંપનીઓના કાયમી કર્મચારીઓ તથા તેમના માન્ય મુલાકાતીઓને કેટલીક શરતોને આધીન વાઈન એન્ડ ડાઈન ફેસિલિટી આપવાનો નિર્ણય કર્યો છે.
સ્થાનિક મીડિયાએ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટીના સૂત્રોએ ટાંકીને જણાવ્યું હતું કે, ગિફ્ટ સિટીમાં છેલ્લા 11 વર્ષમાં એક સાથે એટલા સોદા નથી થયા જેટલા છેલ્લા પાંચ દિવસમાં થયા છે. ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ બાદ રૂ. 500 કરોડના કોમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રોપર્ટીના 300 જેટલા યુનિટના સોદા થયા છે અને પ્રોપર્ટી માટેની પૂછપરછમાં 500 ટકાનો વધારો થયો છે.
ગિફ્ટ સિટીને ફાઈનાન્સિયલ અને ટેક હબ બનાવવા માટે અહીં દારૂબંધી પૂર્વે અન્ય કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ગાંધીનગરમાં આવેલી ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસ ઓથોરિટીના નેજા હેઠળ વિશ્વની એક આધુનિક ફાઈનાન્સ ટેક સિટી ઊભી કરવા છેલ્લા દસ વર્ષથી પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. છેલ્લા પાંચ વર્ષથી સૌથી વધારે કાયદાકીય, ટેક્સેશનમાં સુધારા અને વૈશ્વિક માર્કેટિંગમાં ભારે તેજી આવી છે. જેને લઈને ગિફ્ટ સિટીમાં અત્યાર સુધીમાં 18 વિવિધ પ્રકારના ટાવરમાં 470થી વધારે કંપનીઓ કાર્યરત છે. જેમાં ગ્લોબલ બેન્કિંગ, ફન્ડ્સ, આઈટી અને ફિનટેક, કોર્પોરેટ, એક્સચેન્જીસ અને ટ્રેડિંગ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. હાલમાં 30 ટાવરના બિલ્ડિંગનું કામ પણ ચાલી રહ્યું છે. હવે ફેઝ-2માં ગિફ્ટ સિટીના વિસ્તારમાં વધારો કરવામાં આવશે.