પ્રવાસન ક્ષેત્રને “મિશન મોડ”ના આધારે પ્રોત્સાહન આપવાની જાહેરાત કરતાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 50 પ્રવાસ સ્થળોને “સંપૂર્ણ પેકેજ” તરીકે વિકસિત કરાશે અને રાજ્યોને તેમની પ્રોડક્ટ્સના વેચાણ માટે ‘યુનિટી મોલ’ સ્થાપવા માટે પ્રોત્સાહિત કરાશે.
નાણાપ્રધાને જાહેરાત કરી હતી કે સંકલિત અને નવીન અભિગમ સાથે, “ચેલેન્જ મોડ” મારફત ઓછામાં ઓછા 50 પ્રવાસન સ્થળોની પસંદગી કરાશે અને દરેક સ્થળને “સંપૂર્ણ પેકેજ તરીકે વિકસાવવામાં આવશે. આ સ્થળો પર ફિઝિકલ કનેક્ટિવિટી, વર્ચ્યુઅલ કનેક્ટિવિટી, ટુરિસ્ટ ગાઇડ હાઇ સ્ટાન્ડર્ડના ફૂડ સ્ટ્રીટ્સ અને પ્રવાસીઓની સુરક્ષા જેવી તમામ સુવિધા ઓફર કરાશે.
રાજ્યોને તેમની ODOPs (એક જિલ્લો, એક પ્રોડક્ટ), GI પ્રોડક્ટ અને અન્ય હસ્તકલા પ્રોડક્ટના પ્રમોશન અને વેચાણ માટે રાજ્યની રાજધાની અથવા સૌથી પ્રખ્યાત પર્યટન કેન્દ્ર અથવા નાણાકીય રાજધાનીમાં ‘યુનિટી મોલ’ સ્થાપિત કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે. અન્ય તમામ રાજ્યોની આવી પ્રોડક્ટ્સના માટે સ્પેસ ઓફર કરવા માટે પણ પ્રોત્સાહિત કરાશે. આ ઉપરાંત, ‘દેખો અપના દેશ’ યોજનાના ઉદ્દેશ્યોને હાંસલ કરવા માટે પ્રદેશવાર કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાનો વિકાસ કરાશે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સરહદી ગામડામાં ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાનો પણ વિકાસ કરાશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે દેશ સ્થાનિક તેમજ વિદેશી પ્રવાસીઓ માટે “પુષ્કળ આકર્ષણ” ઓફર કરે છે અને આ ક્ષેત્ર એક મુખ્ય નોકરી સર્જક બની શકે છે. પર્યટનમાં ક્ષેત્રમાં વિકાસની મોટી સંભાવના છે. આ ક્ષેત્ર ખાસ કરીને યુવાનો માટે નોકરીઓ અને ઉદ્યોગસાહસિકતા માટેની વિશાળ તકો ધરાવે છે. રાજ્યોની સક્રિય ભાગીદારી, સરકારી કાર્યક્રમોના સંકલન અને જાહેર-ખાનગી ભાગીદારી સાથે મિશન મોડ પર પ્રવાસનને પ્રોત્સાહન અપાશે.