ભારતની એવિયેશન રેગ્યુલેટર ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)એ બુધવારના નવા આદેશમાં સ્પાઈસજેટ એરલાઈન્સને સાવચેતીના ભાગરૂપે હાલમાં મર્યાદિત સંખ્યામાં ફ્લાઈટ્સ જ ચલાવવાનો આદેશ યથાવત રાખ્યો હતા. અગાઉ 27 જુલાઇએ રેગ્યુલેટરે સ્પાઇસજેટને માત્ર 50 ટકા ફ્લાઇટ ઓપરેટ કરવાનો આદેશ આપ્યો હતો, જેને હવે આશરે એક મહિનો લંબાવવામાં આવ્યો છે.
આ આદેશ મારફત ભારતમાં છેલ્લા કેટલાક સમયથી વધી રહેલ ફ્લાઈટના ફિયાસ્કા સંદર્ભે રેગ્યુલેટર સ્પાઈસજેટ પ્રત્યે કડક વલણ યથાવત રાખ્યું છે. DGCAના જણાવ્યા અનુસાર ‘વધારાની સાવચેતી’ તરીકે પ્રતિબંધો લંબાવવામાં આવ્યા છે. એરલાઇનને 29 ઓક્ટોબર, 2022 સુધીમાં માત્ર 50 ટકા એરક્રાફ્ટ ઓપરેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.જુલાઈના પ્રથમ સપ્તાહમાં દિલ્હીથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ ઈન્ડિકેટર લાઈટમાં ખામીને કારણે કરાચી તરફ ડાયવર્ટ કરવી પડી હતી. આ ઘટનાના બે દિવસ પહેલા મંગળવારે ગુજરાતના કંડલાથી મુંબઈ જઈ રહેલા સ્પાઈસ જેટ એરક્રાફ્ટની ઉપરની વિન્ડશિલ્ડમાં ફ્લાઇટ દરમિયાન તિરાડ પડી ગઈ હતી, જેના કારણે એરક્રાફ્ટનું તાત્કાલિક લેન્ડિંગ કરાવવું પડ્યું હતું.