ઓસ્ટ્રેલિયનની ઓછામાં ઓછી પાંચ યુનિવર્સિટીઓએ ગુજરાત સહિત ભારતના કેટલાક રાજ્યોના વિદ્યાર્થીઓ પર નિયંત્રણો અથવા પ્રતિબંધો મૂક્યા છે. અભ્યાસની જગ્યાએ નોકરી કરવાના ઇરાદા સાથેની બનાવટી અરજીઓની સંખ્યામાં ઉછાળાને કારણે આ નિર્ણય કરાયો છે.
ઓસ્ટ્રેલિયા અત્યાર સુધી વાર્ષિક ધોરણે સૌથી વધુ ભારતીય વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે સજ્જ બન્યું છે ત્યારે આ હિલચાલ થઈ છે. 2019માં ઓસ્ટ્રેલિયાએ ભારતના 75,000 વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો હતો, જે રેકોર્ડ આ વર્ષે તૂટવાની શક્યતા છે.
ધ એજ અને ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ અખબારોની તપાસમાં બહાર આવ્યું છે કે વિક્ટોરિયા યુનિવર્સિટી, એડિથ કોવાન યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ વોલોન્ગોંગ, ટોરેન્સ યુનિવર્સિટી અને સધર્ન ક્રોસ યુનિવર્સિટીએ ભારતીય વિદ્યાર્થીઓ પર નિયંત્રણો કે પ્રતિબંધ મૂક્યા છે. આ યુનિવર્સિટીઓ અને તેમના માટે કામ કરતાં એજન્ટોના ઇ-મેઇલમાંથી આ માહિતી મળી છે.
પર્થની એડિથ કોવાન યુનિવર્સિટીએ ફેબ્રુઆરીમાં ભારતના પંજાબ અને હરિયાણાના અરજદારો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી માર્ચમાં વિક્ટોરિયા યુનિવર્સિટીએ ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને ગુજરાત સહિત આઠ ભારતીય રાજ્યોના વિદ્યાર્થીઓની અરજીઓ પર નિયંત્રણો વધાર્યા હતા. માર્ચમાં વોલોન્ગોંગ યુનિવર્સિટીએ પણ ભારત, નેપાળ, બાંગ્લાદેશ, પાકિસ્તાન, લેબનોન, મંગોલિયા, નાઇજીરીયા અને અન્ય દેશોના વિદ્યાર્થીઓ માટેના જેન્યુઇન ટેમ્પરરી એન્ટ્રન્સ ટેસ્ટની શરતો આકરી બનાવી હતી.
એડિલેડની ટોરેન્સ યુનિવર્સિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે પણ હવે અરજીઓ જ્યાંથી આવે છે તે દરેક વિસ્તારને કાળજીપૂર્વક જોઈ રહી છે. અગાઉ માર્ચમાં યુનિવર્સિટીએ જણાવ્યું હતું કે તે ગુજરાત, હરિયાણા અને પંજાબની ખૂબ જ મજબૂત અરજીઓ પર વિચાર કરી રહી છે.
વિદ્યાર્થીની સંખ્યામાં ઉછાળાએ ઓસ્ટ્રેલિયાની ઇમિગ્રેશન સિસ્ટમની વિશ્વસનીયતા અને દેશના આકર્ષક આંતરરાષ્ટ્રીય શિક્ષણ બજાર પર લાંબા ગાળાની અસર અંગે સાંસદો અને શિક્ષણ ક્ષેત્રની ચિંતાઓમાં વધારો થયો છે.
આ નિયંત્રણો વડાપ્રધાન એન્થોની આલ્બાનીઝના ભારતની મુલાકાતના થોડા દિવસો પછી આવ્યા છે. તેમણે ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓ અને કોલેજો સાથે નવા કરારની જાહેરાત કરી હતી. આ કરારમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ડીગ્રીઓને પરસ્પર માન્યતા આપવાનો સમાવેશ થાય છે. તેનાથી યુનિવર્સિટી અભ્યાસ માટે એકબીજા દેશમાં પ્રવાસ સરળ બને છે.