ભારતીય ચૂંટણી પંચ શનિવારે ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ માટે તારીખો જાહેર કરી છે. કોરોનાના પડકાર, વધી રહેલા ઓમિક્રોનના જોખમ વચ્ચે ચૂંટણી પંચે 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવા માટે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને આ સાથે જ સંબંધિત રાજ્યોમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઇ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર 5 રાજ્યોની ચૂંટણી 7 તબક્કામાં યોજાશે. જેમાં પંજાબ, ગોવા અને ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં ચૂંટણી થશે.
10 ફેબ્રુઆરીએ પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થશે અને ૧૦ માર્ચે મત ગણતરી યોજાશે. ઉત્તર પ્રદેશમાં 10, 14, 20, 23, 27 ફેબ્રુઆરી અને 3-7 માર્ચના રોજ મતદાન યોજાશે જ્યારે ઉત્તરાખંડ-પંજાબ-ગોવામાં 14 ફેબ્રુઆરી અને મણીપુરમાં 27 ફેબ્રુઆરી અને ૩ માર્ચે મતદાન થશે.
કુલ 690 વિધાનસભા બેઠકો ધરાવતા 5 રાજ્યોની ચૂંટણીમાં કુલ મતદારો 18.34 કરોડ છે. તેમાં મહિલા મતદારોની સંખ્યા 8.55 કરોડ છે. કુલ 24.9 લાખ મતદારો એવા છે જેઓ પ્રથમવાર મતદાન કરશે. તેમાંથી 11.4 લાખ યુવતીઓ પ્રથમવાર મતદાર બની છે. પાંચ રાજ્યોમાં કુલ 2,15,368 પોલીંગ બુથ બનાવવામાં આવશે. આ વખતે 16 ટકા બુથનો વધારો કરાયો છે, જેમાં 1620 મહિલાઓ સંચાલિત બુથ હશે અને મતદાનનો સમય એક કલાક વધારવામાં આવ્યો છે.
ચૂંટણી પંચે 3 લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. જેમાં કોવિડ સેઇફ ઈલેક્શન, સરળ ઈલેક્શન અને મતદારોની વધુ ભાગીદારીને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ગોવા અને મણિપુરમાં ઉમેદવાર માટે રૂ. 28 લાખ સુધીના ખર્ચની જ્યારે અન્ય ત્રણ રાજ્યોમાં દરેક ઉમેદવાર રૂ. 40 લાખ સુધીના ખર્ચની મર્યાદા ચૂંટણી પંચે નક્કી કરી છે.