ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરા (સેન્ટર), ચૂંટણી કમિશનર્સ સુશીલ ચંદ્રા (લેફ્ટ) અને રાજીવ કુમારે 26 ફેબ્રુઆરી 2021ના રોજ નવી દિલ્હીમાં પત્રકાર પરિષદ યોજી હતી. PTI Photo/Manvender Vashist)

પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ 27 માર્ચથી ચાલુ થશે અને તેનું રિઝલ્ટ 2મેએ આવશે. ભારતના ચૂંટણીપંચે આ પાંચ રાજ્યમાં ચૂંટણીની તારીખ શુક્રવારે જારી કરી હતી. પશ્ચિમ બંગાળ અને આસામમાં 27 માર્ચે પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાશે.

પશ્ચિમ બંગાળમાં આઠ તબક્કામાં ચૂંટણી યોજાશે. રાજ્યમાં આઠ તબક્કામાં 27 માર્ચ, પહેલી એપ્રિલ, છ એપ્રિલ, 10 એપ્રિલ, 22 એપ્રિલ, 26 એપ્રિલ અને 29 એપ્રિલે મતદાન થશે.

આસામમાં 27 માર્ચ અને છ એપ્રિલે બે તબક્કામાં ચૂંટણી યોજાશે. કેરળ, પુડુચેરી અને તમિલનાડુમાં એક તબક્કામાં 6 એપ્રિલે ચૂંટણી થશે. તમામ 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામ 2 મેના રોજ જાહેર થશે.

પશ્ચિમ બંગાળની 294, તમિલનાડુની 234, કેરળની 140, આસામની 126 અને પુડુચેરીની 30 વિધાનસભા બેઠકો પર ચૂંટણી યોજાશે. પાંચ રાજ્યોમાં કુલ મળીને 824 વિધાનસભા બેઠક માટે ચૂંટણી થશે. 18.6 કરોડ મતદાતા, 2.7 લાખ મતદાન કેન્દ્રો પર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. કોરોના વાયરસની મહામારીને ધ્યાનમાં રાખતા ગાઈડલાઈન્સનું પાલન કરતા વૉટિંગ થશે અને તે માટેનો સમયગાળો એક કલાક સુધી વધારવામાં આવ્યો છે.

પુડુચેરીમાં કોઈ ઉમેદવાર મહત્તમ 22 લાખ રૂપિયા સુધી ચૂંટણી પ્રચાર પાછળ ખર્ચો કરી શકે છે. પણ, બાકીના 4 રાજ્યોમાં કોઈએક સીટ પર ઉમેદવાર મહત્તમ 38 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકશે.ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ જણાવ્યું હતું કે ચૂંટણીની તારીખની જાહેરાત સાથે આ રાજ્યોમાં આદર્શ આચરસંહિતાનો અમલ ચાલુ થઈ ગયો છે.