2020 અને 2022 વચ્ચે બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક, ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ, સ્વર્ગસ્થ રાણી એલિઝાબેથ દ્વિતીય, પ્રિન્સ હેરી અને તેની પત્ની, મેગન માર્કેલ સહિત અન્ય લોકો વિરુદ્ધ વોટ્સએપ પર ઘોર અપમાનજનક જાતિવાદી સંદેશા મોકલવા બદલ મેટ્રોપોલિટન પોલીસના પાંચ ભૂતપૂર્વ અધિકારીઓએ દોષીત હોવાની કબૂલાત કરી હતી. તમામ અધિકારીઓ 2001 અને 2015 વચ્ચે પોલીસમાંથી નિવૃત્ત થયા છે.
ગુરુવારે લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં પીટર બૂથ, રોબર્ટ લેવિસ, એન્થની એલ્સોમ, એલન હોલ અને ટ્રેવર લેવટન સામેના આરોપોની સુનાવણી કરાઇ હતી. વોટ્સએપ ચેટ ગ્રૂપમાં શેર કરાયેલા કેટલાક સંદેશાઓમાં પ્રિન્સ વિલિયમ અને તેની પત્ની કેટ તથા પાકિસ્તાની મૂળના ભૂતપૂર્વ ચાન્સેલર અને હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદનો પણ ઉલ્લેખ કરાયો હતો.
સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું હતું કે સામેલ અધિકારીઓએ તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન મેટ પોલીસના વિવિધ ભાગોમાં સેવા આપી હતી અને તે બધાએ પાર્લામેન્ટ્રી એન્ડ ડિપ્લોમેટિક પ્રોટેક્શન કમાન્ડમાં સમય વિતાવ્યો હતો. તેમને પછીની તારીખે સજાઓ કરાશે.