કેનેડાના ટોરોન્ટોના સબર્બમાં રવિવારે થયેલા ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસ સાથે ગોળીબાર બાદ શંકાસ્પદનું પણ મૃત્યુ થયું હતું. સ્થાનિક પોલીસ વડા જિમ મેકસ્વીનએ પત્રકારોને જણાવ્યું હતું કે, શૂટિંગ એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં થયું હતું.
યોર્ક પ્રાદેશિક પોલીસ વડા જિમ મેકસ્વીન એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, લગભગ સાંજે 7:20 વાગ્યે, અધિકારીઓએ ટોરોન્ટોની ઉત્તરે આવેલા શહેર, વોન ખાતેની બિલ્ડિંગમાં શૂટિંગ કોલ મળ્યો હતો. પોલીસને ભયાનક દ્રશ્ય જોવા મળ્યું જ્યાં અસંખ્ય પીડિતો મૃત્યુ પામ્યા હતા. ગોળી વાગેલા એક પીડિતને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
પોલીસે જણાવ્યું હતું કે પોલીસ સાથેની અથડામણમાં પુરુષ બંદૂકધારીનું મોત થયું હતું. પોલીસે શૂટરનું નામ જાહેર કર્યું ન હતું. કોન્સ્ટેબલ લૌરા નિકોલે સીએનએનને જણાવ્યું કે આ ઘટના “મારી સમગ્ર કારકિર્દીમાં મેં જોયેલી સૌથી ભયંકર હતી.” નિકોલે અગાઉની ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે એવું લાગે છે કે પીડિતો એક કરતાં વધુ કોન્ડો યુનિટના હતા.
રહેવાસીઓને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ઈમરજન્સી રિસ્પોન્સ કર્મચારીઓએ ઈમારતને ખાલી કરવા અને વધુ પીડિત ન હોય તેની ખાતરી કરવા માટે કામગીરી ચાલુ કરી હતી.