કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈએ મંગળવારે આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદની લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં બે સેશનમાં આશરે પાંચ કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી. આ મામલો યાદવ પરિવાર અને તેમના સહયોગીઓ દ્વારા રેલવેમાં નોકરીના બદલામાં જમીન હડપ કરી લેવા અંગેનો છે. લાલુ પ્રસાદના પત્ની રાબડી દેવીની પટણામાં પાંચ કલાક સુધીની પૂછપરછના બીજા દિવસે ચારા કૌભાંડમાં દોષિત ઠરેલા લાલુ પ્રસાદની પૂછપરછ કરાઈ હતી.
કેન્દ્ર સરકાર બિમાર પિતાને ત્રાસ આપી રહી હોવાના આક્ષેપ કરતાં લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્યે ટ્વીટ કર્યું હતું કે આ લોકો પપ્પાને પરેશાન કરી રહ્યા છે. જો હેરાનગતિથી કોઈ સમસ્યા ઊભી થશે અમે દિલ્હીની સત્તાને હચમચાવી નાંખીશું. ધીરજ ખૂટી રહી છે. બીજી એક ભાવનાત્મક ટ્વીટમાં ઉમેર્યું હતું કે જો મારા પિતા સાથે કંઇક અપ્રિય થશે તો હું કોઈને પણ બક્ષીશ નહીં. તે યાદ રાખવું જોઈએ કે સમય બળવાન છે. રોહિણીએ તાજેતરમાં તેમના પિતાને કિડની ડોનેટ કરી હતી અને હાલમાં સિંગાપોરમાં છે.
સીબીઆઈ 5 અધિકારીઓની ટીમ સવારે 10.40 વાગ્યે ઈન્ડિયા ગેટ નજીકના પંડારા પાર્કમાં મીસા ભારતીના નિવાસસ્થાને આવી હતી અને બપોરના 12.55 વાગ્યે લંચ માટે રવાના થયા હતા. આ પછી બપોરે 2.15 વાગ્યે લાલુની ફરી પૂછપરછ ચાલુ થઈ હતી અને તે સાંજે 5.14 સુધી ચાલી રહી હતી.
આ પૂછપરછની વીડિયોગ્રાફી કરાઈ હતી. લાલુ સામે કેટલાંક દસ્તાવેજ પણ રજૂ કરાયા હતા. અહીં ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદે ગયા વર્ષે સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું અને એક મહિના પહેલા ભારત પરત ફર્યા હતા. ચેપના ઊંચા જોખમને ધ્યાનમાં રાખીને લાલુ બિહારમાં પોતાના ઘેરની જગ્યાએ મીસા ભારતીના નિવાસસ્થાને રહે છે.
તપાસ એજન્સી આ કેસમાં લાલુ પ્રસાદ, તેમની પત્ની રાબડી દેવી અને અન્ય 14 લોકો સામે ગુનાહિત કાવતરું અને ભ્રષ્ટાચાર નિવારણ ધારાની જોગવાઈઓ હેઠળ ચાર્જશીટ દાખલ કરી છે અને તમામ આરોપીઓને 15 માર્ચે સમન્સ પાઠવવામાં આવ્યા છે.