કોલોરાડોના કોલોરાડો સ્પ્રિંગ્સમાં શનિવારે રાત્રે ગે નાઈટક્લબમાં ગોળીબારમાં પાંચ લોકો માર્યા ગયા હતા અને 18 ઘાયલ થયા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. કોલોરાડો સ્પ્રિંગ્સ પોલીસ લેફ્ટનન્ટ પામેલા કાસ્ટ્રોએ એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ક્લબ ક્યૂ પર હુમલા બાદ એક શંકાસ્પદને કસ્ટડીમાં લીધો હતો અને તેની ઈજાઓની સારવાર ચાલી રહી છે.પોલીસને ગોળીબાર વિશે મધરાત પહેલા પ્રારંભિક ફોન કોલ મળ્યો હતો. પોલીસ અધિકારીઓએ એક વ્યક્તિને શોધી કાઢ્યો હતો, જે ક્લબની અંદર શંકાસ્પદ હોવાનું માનવામાં આવતું હતું.
તેમણે હુમલાના હેતુ વિશે કોઈ માહિતી આપી ન હતી અને શૂટિંગમાં કયા પ્રકારનાં હથિયારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે કહેવાનો પણ ઇનકાર કર્યો હતો. ગૂગલ લિસ્ટિંગમાં ક્લબ ક્યૂ પોતાને “એડલ્ટ-ઓરિએન્ટેડ ગે અને લેસ્બિયન નાઈટક્લબ નાઈટ ગણાવે છે. ક્લબે તેના ફેસબુક પેજ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અમારા સમુદાય પરના હુમલાથી ક્લબ બરબાદ થઈ છે… અમે બહાદૂર ગ્રાહકોનો ઝડપી પ્રતિક્રિયાઓ માટે આભાર માનીએ છીએ. ગ્રાહકોએ બંદૂકધારીને વશમાં કર્યો અને આ નફરતના હુમલાને સમાપ્ત કર્યો હતો.”
સવારે 4 વાગ્યા સુધીમાં પોલીસે ક્લબની આસપાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. આ ક્લબ કોલોરાડો સ્પ્રિંગ્સની બહારના ભાગમાં આવેલા સ્ટ્રીપ મોલમાં છે. 2016માં એક બંદૂકધારીએ ફ્લોરિડોના ઓર્લાન્ડોની નાઇટક્લબમાં 49 લોકોની હત્યા કરી હતી. શૂટરે ઈસ્લામિક સ્ટેટના એક નેતા પ્રત્યે વફાદારીનો દાવો કર્યો હતો. પોલીસ સાથેના ગોળીબારમાં તે માર્યો ગયો.